સંસદનું શિયાળુ સત્રઃ સાંસદોના સસ્પેન્શનને લઈને ધૂંઆપૂંઆ થયા જયા બચ્ચન
નવી દિલ્હીઃ સંસદનું શીતકાલીન સત્ર ચાલી રહ્યું છે. આજે તેરમા દિવસે પણ સંસદની સુરક્ષામાં ચૂક અને સાંસદોના સસ્પેન્શન મુદ્દે હોબાળો ચાલુ રહ્યો હતો. દરમિયાન, સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનનું કહેવું છે કે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ તેમની વાત સાંભળી રહ્યા નથી. તેમનું કહેવું છે કે તેઓ સવારથી સર, સર કરીને બુમો પાડી રહ્યા છે અને પોતાના વિચારો વ્યક્ત કરવાની કોશિશ કરી રહ્યા છે , પણ જગદીપ ધનખડ તેમની વાત સાંભળી રહ્યા નથી.
સાંસદોના સસ્પેન્શન પર સવાલ ઉઠાવતા જયા બચ્ચને સવાલ કર્યો હતો કે કયા માપદંડ હેઠળ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બીજા જ દિવસે ઘણા સાંસદો વેલમાં ગયા, પરંતુ તેમને સસ્પેન્ડ કરવામાં નહોતા આવ્યા. જયા બચ્ચને મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, અમે લોકો બોલી રહ્યા છીએ. બૂમો પાડી રહ્યા છીએ કે સર, અમને બોલવા દો. કાલે એમણે (ધનખડે) ઘણા સાસંદોને ડિસમિસ કરી નાખ્યા. કેટલાકે પ્લે કાર્ડ પકડેલા હતા અને કેટલાક વેલમાં ગયા હતા. આજે પણ કેટલાક લોકો વેલમાં જતા રહ્યા હતા, પણ તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવ્યા. તેથી સાંસદોને સસ્પેન્ડ કરવાના માપદંડ શું છે, કયા માપદંડથી તેઓ માપી રહ્યા છે કે આ સાંસદને ડિસમિસ કરવાનો છે અને આ સાંસદને ડિસમિસ નથી કરવાનો. એવો જ મારે તેમને સવાલ કરવો છે.
જયા બચ્ચને કહ્યું હતું કે, ‘જરા વિચારો, રામ ગોપાલ જેવા ગરીબ વરિષ્ઠ સાંસદ પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા અને બાજુમાં ગયા. તેમની લાંબી કારકિર્દીમાં, તેમણે ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી કે ન તો ક્યારેય કોઇ વિશએ ખરાબ બોલ્યા છે. અગર અધ્યક્ષે તેમને કહ્યું કે તેમનો સમય પૂરો થઈ ગયો છે તો તેઓ તેમનું ભાષણ પૂરું કર્યા વિના પણ બેસી ગયા છે. તમે આવા સજ્જન અને આવા વરિષ્ઠ સાંસદને સસ્પેન્ડ કર્યા છે. એના વિશે વિચારો. આ શું માપદંડ છે? ‘
સદનમાં સાંસદોમાં હંગામા દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું હતું કે, ‘હું તો મારું દર્દ પણ વ્યક્ત કરી શકતો નથી. આજનો દિવસ મારા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ પછી અધ્યક્ષ જગદીપ ધનખરે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી અને પોતાની બેઠક પરથી ઉભા થઈ ગયા હતા.