કોરોનાએ ફરી માથું ઊંચક્યું: 24 કલાકમાં દેશમાં 341 નવા કેસ નોંધાયા, આરોગ્ય મંત્રાલયે સમીક્ષા બેઠક બોલાવી
નવી દિલ્હી: ઠંડી વધવાની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, જેને કારણે પ્રસાશનની ચિંતા વધી રહી છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં COVID-19 ના 341 નવા કેસ નોંધાયા છે, જ્યારે કેરળમાં 3 દર્દીઓના મોત થયા છે.
મંત્રાલયની વેબસાઇટ અનુસાર, આજે સવારે 8 વાગ્યા સુધી દેશભરમાં નોંધાયેલા 341 કોવિડ-19 ના કેસોમાંથી 292 માત્ર કેરળના છે. આ ઉપરાંત તમિલનાડુમાં 13, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9, તેલંગાણા અને પુડુચેરી 4-4, દિલ્હી અને ગુજરાત ૩-3, પંજાબ અને ગોવા 1-1 કેસ નોંધાયા છે. આ સાથે બુધવારે ભારતમાં એક્ટીવ કેસલોડ વધીને 2,311 થયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કોવિડ-19 કેસ અને મૃત્યુમાં અચાનક વધારાની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે.
કેન્દ્રીય પ્રધાનો એસપી સિંહ બઘેલ, ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય સચિવ સુધાંશ પંત, આરોગ્ય સંશોધન વિભાગના સચિવ ડૉ. રાજીવ બહલ અને ડૉ. વી.કે. પૉલ, સભ્ય (આરોગ્ય), નીતિ આયોગ પણ બેઠકનો ભાગ હતા.
દેશમાં કોવિડ-19 કેસોમાં તાજેતરના વધારા વચ્ચે ડોકટરોએ લોકોને માસ્ક પહેરવા, ભીડથી દૂર રહેવા અને આરોગ્યપ્રદ આહાર લેવાની સલાહ આપી છે. ક્રિસમસ અને નવું વર્ષ નજીક હોવાથી ભીડભાડથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે.
સીએમ સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.