તેલંગાણા: હજુ તો માંડ લોકો ફરી પોતાની જિંદગીમાં રેગ્યુલર થાય ત્યાં તો દેશમાં ફરી કોવિડે માથું ઊંચક્યું છે. તેલંગાણામાં મંગળવારે કોવિડના ચાર કેસ નોંધાયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. રાજ્યના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામકના ડાયરેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાડોશી રાજ્યોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લોકોને સજાગ રહેવું જોઈએ. દસ વર્ષથી નીચેના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને જરૂરી ના હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
નિવેદનમાં ખાસ એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોવિડ ચેપ 20 થી 50 વર્ષની વય જૂથમાં વધુ વધી રહ્યો છે. તેથી આવા લોકોને ઓફિસ કે અન્ય અગત્યના કામ માટે બહાર જતી વખતે યોગ્ય તકેદારી રાખવા વિનંતી છે. તમામ લોકોને જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. માસ્ક ન પહેરવા બદલ દંડ પણ થઈ શકે છે. તેમજ કોવિડ સામે રક્ષણ મેળવવા માટે છ ફૂટનું શારીરિક અંતર જાળવવું જરૂરી છે. સાબુ અને હાથ ધોવાની સુવિધાઓ અથવા સેનિટાઈઝર કાર્યસ્થળો પર ઉપલબ્ધ કરાવવા જરૂરી છે.
એડવાઈઝરીમાં નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. જો તે એકદમ જરૂરી હોય, તો મુસાફરી દરમિયાન ફેસ માસ્ક, સેનિટાઈઝર, શારીરિક અંતરનો ઉપયોગ જેવા તમામ કોવિડ નિવારણ નિયમોનું પાલન કરવું જોઈએ.
આ ઉપરાંત આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જો ફ્લૂ કે ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, નાકમાંથી પાણી વહેવું, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ.
આ ઉપરાંત આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ, કિડનીની બીમારી, કેન્સર કે અન્ય કોઈ લાંબી બિમારીથી પીડિત લોકોને અપીલ કરી છે કે તેઓ કોવિડના જોખમથી બચવા માટે ઘરની અંદર જ રહે અને શક્ય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મુસાફરી ના કરે.