કોરોનાના નવા વેરિએન્ટથી સામાન્ય કાળજી પણ બચાવશે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાંથી કોરોના સાવ જતો રહ્યો છે એમ માનીને લોકો નિરાંતે હરિફરી રહ્યા છે ત્યાં દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં અચાનક વધારો થતાં ચિંતાનો માહોલ છે. ભારતમાં નવેસરથી કોરોનાની ચિંતાનો માહોલ પેદા કરવાનું શ્રેય જેએન ૧ વેરિએન્ટને જાય છે. અત્યાર લગી અમેરિકા અને ચીનમાં ધૂમ મચાવી રહેલો આ વેરિઅન્ટ ભારતમાં માત્ર સક્રિય જ નથી થયો પણ લોકોનો ભોગ પણ લેવા માડ્યો છે.
કોરોનાના કેસોમાં વધારો અને મોતનો સિલસિલો શરૂ થતાં કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સકરકારે રાજ્યો માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે અને કોવિડના કેસો પર સતત નજર રાખવા ફરમાન કર્યું છે. સાથે સાથે ફરી કોવિડ ટાસ્ક ફોર્સને સક્રિય કરવાની વિચારણા પણ ચાલી રહી છે. જિલ્લા સ્તરે એસએઆરઆઈ અને આઈએલઆઈ કેસના રિપોર્ટના સર્વેલન્સનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે અને પોઝિટિવ સેમ્પલને જીનોમ સિક્વેન્સિંગ માટે આઈએનએસએસીઓજી લેબમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે. કેરળ અને યુપીમાં કોરોનાના કારણે મોત થતાં આમ બંને રાજ્યો તો એલર્ટ છે જ પણ પાડોશી રાજ્યો પણ સફાળાં જાગ્યાં છે. કેરળમાં વધતા કેસોને કારણે જોતા કર્ણાટકમાં પણ નિયંત્રણો જાહેર કરી દેવાયાં છે.
આ વેરિઅન્ટના કારણે કોરાનાના કેસોમાં ઉછાળો આવ્યો છે અને છેલ્લાં બે દિવસથી દરરોજ ૩૦૦થી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. છ મહિના પછી પહેલી વાર રવિવારે દેશભરમાં કોરોનાના ૩૦૦થી વધુ કેસ નોંધાતાં છ મહિના પછી દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા એક હજારને વટાવી ગઈ. રવિવારે કોરોનાથી ઉત્તર પ્રદેશ અને કેરળમાં પાંચ લોકોના મોત પણ થયાં છે.
આ બધા ડેટા તો બદલાયા કરશે પણ મહત્વની વાત કોરોનાનો નવો વેરિઅન્ટ ખતરનાક છે કે નહીં એ છે. ડૉક્ટરો આ વેરિઅન્ટને બહુ ખતરનાક માનતા નથી. તેમનું કહેવું છે કે, આ વેરિઅન્ટના કારણે કોરોનાનો ભોગ બનેલા દર્દીઓના સંપર્કમાં આવતા લોકોએ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. આ ઉપરાંત આ પ્રકારના કોરોનામાં જાનહાનિનું જોખમ પણ ઓછું છે. આ પ્રકારના દર્દીઓ ત્રણથી પાંચ દિવસ સુધી સામાન્ય તાવ અને શરદી જેવા લક્ષણોનો અનુભવે છે કે જે સામાન્ય તાવમાં પણ બને છે. કોઈ વ્યક્તિ ઝડપથી સાજી ન થઈ રહી હોય તો પણ ડરવાનું કંઈ નથી કેમ કે આ વેરિઅન્ટ ઘાતક નથી.
અલબત્ત વાઇરસને સિક્વન્સ કર્યા પછી આ ઓમિક્રોન પરિવારનો વાઇરસ છે કે નહીં એ ખબર પડે. જિનોમ સિક્વન્સિંગથી ખબર પડે કે, વાઇરસ કેટલો ખતરનાક છે અને તેનું સ્વરૂપ કેટલું બદલાય છે. હજુ સુધી જીનોમ સિક્વન્સિંગ થયું નથી તેથી તેનાં પરિણામ ના આવે ત્યાં સુધી વાઇરસને ગંભીરતાથી જ લેવો જોઈએ.
ડૉક્ટરો એ પણ કહેલ છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં બહુ ખતરનાક સાબિત થયો નહોતો પણ ડેલ્ટા વેરિઅન્ટે ભારતમાં તબાહી વેરી હતી. જેએન.૧નો આ પ્રારંભિક તબક્કો છે. તેથી બદલાયેલા પ્રકારોના જિનોમ સિક્વન્સિંગની સાથે દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું નિરીક્ષણ કર્યા પછી જ ચોક્કસ અસર પડે. આ વાઇરસ પણ ડેલ્ટા જેવો ખતરનાક હોય તો લોકોની હાલત બગાડી શકે.
ભારતમાં લોકો લાંબા સમયથી કોરોનાને હવે હળવાશથી લે છે. ડૉક્ટરોએ કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ જેએન.૧ અંગે જે કંઈ કહ્યું એ સાંભળ્યા પછી તેને લોકો વધારે હળવાશથી લેશે પણ ભારતમાં કોરોનાના કારણે મોત થયાં હોય એવું લાંબા સમય પછી બન્યું છે એ જોતાં આ વેરિઅન્ટને હળવાશથી લેવા જેવો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ચેતવણી આપી છે એ સાંભળ્યા પછી પણ આ વેરિઅન્ટને હળવાશથી લેવાની ભૂલ કરાય એમ નથી.
આ વેરિઅન્ટ અંગે પ્રાથમિક માહિતી બહાર આવી છે તેના પરથી કહી શકાય છે કે, આ વેરિઅન્ટ પ્રારંભિક તબક્કામાં બહુ ખતરનાક લાગતો નથી પણ પછી અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ((WHO) એ ચેતવણી આપી છે કે, આ મ્યુટન્ટ વાઇરસ છે, મતલબ કે, આ વાઇરસ સતત બદલાઈ રહ્યો છે અને વાઇરસ મ્યુટન્ટ હોય તો કેટલો ખતરનાક થઈ શકે એ આપણે કોરોનાની પહેલી અને બીજી લહેર વખતે જોયું છે.
જેએમ.૧ના કેસમાં પણ વાઇરસ મ્યુટન્ટ હોવાના કારણે નવો વેરિઅન્ટ જેએન.૨ આવી જ ગયો છે. તેના કારણે દુનિયાભરમાં કોરોનાના વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યાં છે. સિંગાપુરમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં ૬૦ હજાર જેટલા નવા કેસ નોંધાતાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી જાહેર કરી છે. જેએન.૧ના કારણે અમેરિકા અને ચીનમાં કેસો વધી રહ્યા છે અને મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે.
ચીન અને અમેરિકામાં જેએન.૧ની સાથે જેએન.૨ સબ વેરિએન્ટ મોટી ચિંતાનું કારણ છે. અમેરિકામાં છેલ્લા ચાર સપ્તાહમાં કોરોના કેસમાં ૨૦૦ ટકાનો વધારો થયો છે જ્યારે ચીનમાં તો લાખોની સંખ્યામાં કેસો છે. દુનિયાના લગભગ ૪૦ દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ પહોંચી ગયો છે તેથી બધા દેશોમાં કેસો ધડાધડ વધી રહ્યા છે. આ સંજોગોમાં ભારતીયોએ સતર્ક થવાની જરૂર છે.
કોરોનાના કેસોમાં આપણે ભૂતકાળમાં જોયું છે કે સામાન્ય કાળજી પણ આપણને કોરોનાથી બચાવી શકે છે અને નાની નાની ભૂલો પણ ભારે પડી શકે છે, લોકોના જીવ લઈ શકે છે. ભારતમાં મોટા ભાગનાં લોકોએ કોરોનાની રસીના બે ડોઝ અને બૂસ્ટર ડોઝ પણ લીધા છે. કોરોનાના મોટા ભાગના વેરિઅન્ટ રસીના ડોઝ અને બૂસ્ટર ડોઝ બંને લીધા પછી કશું કરી શકતા નથી એ જોતાં ભારતીયો પ્રમાણમાં સલામત છે પણ નાની નાની કાળજીઓ લઈએ તો સંપૂર્ણ સલામત થઈ જઈએ.
કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી અસરકારક સાબિત થયેલું એ જોતાં સૌથી પહેલી એ જ કાળજી લેવી જોઈએ. કોરોનામાં સૌથી વધારે જોખમ બાળકો, વૃદ્ધો અને ગંભીર રોગોથી પીડિત લોકો પર હોય છે. આ સંજોગોમાં બાળકો અને ૬૦ વર્ષથી ઉપરના લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ. કેન્સર, કીડની, શ્વસનતંત્રથી પીડિત અને સ્ટેરોઈડ લેતા તમામ દર્દીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ.