કર્ણાટકે દુકાળ રાહત પેટે કેન્દ્ર પાસે ₹ ૧૮,૦૦૦ કરોડની માગણી કરી
બેંગલૂરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મંગળવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન મોદીને મળ્યા હતા અને દુકાળ રાહત પેટે રૂ. ૧૮,૧૭૭.૪૪ કરોડની માગણી કરી હતી. રાજ્યના ખેડૂતો ગંભીર સંકટમાં છે તેવું સિદ્ધારમૈયાએ કહ્યું હતું. સિદ્ધારમૈયા અને કર્ણાટકના મહેસૂલ પ્રધાન કૃષ્ણાબાપર ગૌવડા વડા પ્રધાનને મંગળવારે નવી દિલ્હીમાં મળ્યા હતા. દુકાળ રાહત પેટે ચૂકવણીમાં મોદી સરકાર વિલંબ કરી રહી છે તેવો આક્ષેપ કર્ણાટકની સરકારે થોડા સમય અગાઉ કર્યો હતો. કર્ણાટકના ૨૩૬ તાલુકામાંથી ૨૨૩ દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. સિદ્ધારામૈયાએ વડા પ્રધાન સમક્ષ રજૂ કરેલા આવેદનપત્રમાં કહ્યું હતું કે “કેન્દ્રિય કૃષિ સચિવના અધ્યક્ષપદ હેઠળની પેટા કમિટીની બેઠક ૧૩મી નવેમ્બરે થઈ હતી. પેટા કમિટીએ ગૃહ મંત્રાલયને રિપોર્ટ રજૂ કર્યો હતો. અમે પ્રથમ આવેદનપત્ર મોકલ્યું તે પછી ત્રણ મહિના થયા છે અને કેન્દ્રની ટીમ રાજ્યમાં આકલન કરીને ગઈ તેને બે મહિના થયા છે. કર્ણાટકના ખેડૂતો ગંભીર સંકટમાં છે. તેઓની મુશ્કેલીઓ દૂર કરવા અમારે તેમને સબસિડી આપવી જરૂરી છે, કારણ કે પાક નિષ્ફળ ગયા છે.