આમચી મુંબઈ

૨૪ ડિસેમ્બરે મરાઠા આરક્ષણ નહીં જ: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ૨૪ ડિસેમ્બરે મરાઠા સમાજને આરક્ષણ નહીં જ મળે, ફેબ્રુઆરી મહિનામાં વિશેષ અધિવેશન બોલાવીને તેમાં મરાઠા સમાજને આરક્ષણનો નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મરાઠા સમાજને ટકાઉ અને કાનૂની ચોકઠામાં બેસે એવું આરક્ષણ આપવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. તે રીતે પ્રયાસો થઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં સ્ટેટ બેકવર્ડ કમિશનનો અહેવાલ મળ્યા બાદ મરાઠા આરક્ષણનો નિર્ણય લેવામાં આવશે. આને પગલે હવે મનોજ જરાંગેનું આંદોલન ૨૪ ડિસેમ્બરથી ચાલુ થવાની શક્યતા જોવાઈ રહી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ૨૦૦૪ના કાયદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેને આધારે જ મરાઠા સમાજને કુણબીના પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે. કુણબી લખ્યું અને પ્રમાણપત્ર આપી દીધું એટલું સહેલું નથી. જાતી પ્રમાણપત્ર આપવા માટે જે તે ઉમેદવારની જવાબદારી જાતીના પુરાવા આપવાની હોય છે. આથી કોને ચિંતા કરવાની આવશ્યકતા નથી. જેઓ પાત્ર છે તે બધાને જાતી પ્રમાણપત્ર આપવામાં આવશે.
કુણબી પુરાવા ઉર્દુ, ફારસી, મોડી લીપીમાં આપવામાં આવ્યા છે. આથી દસ્તાવેજોની ઊંડી તપાસ કરીને પછી જ પ્રમાણપત્રો આપવામાં આવશે. તેલંગણા સરકાર પાસે અનેક દસ્તાવેજો છે. તેમની પાસે કેટલીક નોંધ ડિજિટલ સ્વરૂપમાં પણ છે. આથી તેલંગણા સરકારની આપણા કામમાં મદદ મળી શકશે. ત્યાં કોંગ્રેસની સરકાર છે એટલે અશોક ચવ્હાણ અને અન્ય કૉંગ્રેસી નેતાઓ મદદરૂપથઈ શકશે.
૨૦૧૯માં એસઈબીસી કાયદો કરીને મરાઠા સમાજને આરક્ષણ આપવામાં આવ્યું હતું. આ આરક્ષણ હાઈ કોર્ટમાં ટક્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટમાં ૨૦૨૧માં તે ટકી શક્યું નહોતું. કેમ કે સુપ્રીમ કોર્ટમાં સંપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી નહોતી. તેમાંથી કેટલીક બાબતો જ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. મારે તે બધામાં જવું નથી. મરાઠા સમાજનું પછાતપણું સિદ્ધ થઈ શકે એવા પુરાવા તેમાં હતા, પરંતુ તે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નહોતા. અદાલતી પ્રક્રિયાને જેટલી ગંભીરતાથી લેવાની આવશ્યકતા હતી, એટલી ગંભીરતાથી તેને લેવામાં આવી નહોતી.
અગાઉની સરકારના સમયમાં જે ખામીઓ રહી ગઈ તેને દૂર કરવા માટે સરકાર કામ કરી રહી છે અને તેને માટે સિનિયર એડવોકેટ હરિશ સાળવીની સાથે વકીલોની ફોજ ઊભી રાખવામાં આવશે.
રાજ્યના બેકવર્ડ કમિશનને નવેસરથી ઈમ્પેરિકલ ડેટા તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમને પુણેની કચેરીમાં વધારાની જગ્યા આપવામાં આવી છે. તેમના સર્વેક્ષણ પર મરાઠા સમાજનું પછાતપણું સિદ્ધ થવાનું છે. આથી તેમને આવશ્યક સુવિધા આપવામાં આવી છે. સરકારી યંત્રણાને પણ કમિશનને સહકાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એકાદો સમાજ પછાત હોય તો તેમનું પછાતપણું સિદ્ધ કરવાનો અધિકાર રાજ્ય સરકારનો છે અને મરાઠા સમાજને ટકાઉ આરક્ષણ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
સ્ટેટ બેકવર્ડ કમિશનનો અહેવાલ એક મહિનામાં મળશે. તેની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારપછી જ આરક્ષણ આપવાનો નિર્ણય લઈ શકાશે. ફેબ્રુઆરી મહિનામાં વિધાનમંડળનું વિશેષ અધિવેશન બોલાવીને આવશ્યકતા મુજબ મરાઠા આરક્ષણ આપવામાં આવશે. તેનાથી અન્ય કોઈપણ સમાજ પર અન્યાય ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે એવી ખાતરી સરકાર આપે છે, એમ પણ એકનાથ શિંદેએ કહ્યું હતું.
મનોજ જરાંગે-પાટીલને નમ્ર વિનંતી છે કે તેમણે સરકારનું વલણ ધ્યાનમાં લેવું, સરકાર તરીકે અમે પ્રામાણિક પ્રયાસો કરી રહ્યા છીએ. આવશ્યક બધી જ પ્રક્રિયા સરકાર કરી રહી છે, એમ પણ તેમણે કહ્યું હતું.

ચાલુ અધિવેશનમાં જ નિર્ણય લો: જરાંગે-પાટીલ
મુંબઈ: રાજ્ય સરકારે ૨૪ ડિસેમ્બરની અંદર મરાઠા આરક્ષણ અંગેનો નિર્ણય લેવો નહીંતર ત્યારબાદ અમે કોઈની વાત સાંભળશું નહીં. સરકારને એક ક્ષણનો પણ વધારાનો સમય મળશે નહીં, એવો હુંકાર ભરતાં મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે અધિવેશનની મુદત વધારવાની માગણી કરી હતી. મંગળવારે સાંજે તેમણે કહ્યું હતું કે મરાઠા આરક્ષણ માટે રાજ્ય સરકારે વિશેષ અધિવેશન બોલાવવાને બદલે ચાલુ અધિવેશનની જ મુદત લંબાવી આપવી જોઈએ, નહીંતર સરકાર પાસે પસ્તાવો કરવા સિવાય કશું જ બચશે નહીં.
જરાંગે-પાટીલે કહ્યું હતું કે ૨૪ તારીખ પછી ૧૦ પગલાં આગળ જશું પણ બે પગલાં પીછેહઠ કરીશું નહીં. શિંદે સમિતિ તાકાત લગાવીને કામ કરશે તો લાખોની સંખ્યામાં નોંધ મળશે. વિદર્ભ અને મરાઠવાડાના બધા જ મરાઠા એક જ છે. તેથી માતા જો ઓબીસી વર્ગમાં હોય તો તેના પુત્રોને પણ આ લાભ મળવો જ જોઈએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે શિંદે સમિતિએ જે દસ્તાવેજો શોધ્યા છે તે કરોડોમાં છે. આથી તેમાં ચોક્કસ શું લખ્યું છે તે શોધી કાઢવું જોઈએ. અધિવેશનની મુુદત લંબાવી નાખો, પરંતુ ૨૪ તારીખ સુધીમાં મરાઠા સમાજને આરક્ષણ આપો. અમે એક વખત દિશા નક્કી કરીશુું પછી પીછેહઠ થશે નહીં. પોલીસે અમારા માથાં ફોડ્યા છે. દર વખતે અમે સહન કરી શકતા નથી. અમારો વિષય કેન્દ્રના આરક્ષણનો નથી. અમે ઉપરનું આરક્ષણ માગતા નથી કેમ કે તે અદાલતમાં ટકતું નથી. મરાઠા સમાજને ઓબીસીમાંથી જ આરક્ષણ આપો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત