ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

આનેવાલી દુનિયા કા સપના સજા હૈ!

રાજ કપૂરે શોધી કાઢેલા ગીતકાર શૈલેન્દ્રએ બાળકોને કેન્દ્રમાં રાખી એક મજેદાર ગીત લખ્યું છે ‘નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ’. એ ગીતમાં બાળકને એની ભોળી આંખો વિશે પૂછવામાં આવતા એ કહે છે કે ’આનેવાલી દુનિયા કા સપના સજા હૈ.’ ૭૦ વર્ષ પહેલાં લખાયેલી આ પંક્તિ કેવી શાશ્ર્વત છે એનો પરચો યુએસના કેલિફોર્નિયા શહેરના ૮ – ૧૭ વર્ષની ઉંમરના ૧૮ જણાની બચ્ચા પાર્ટીએ કરાવ્યો છે. ક્લાઈમેટ ચેન્જ (આબોહવામાં બદલાવ) વિશ્ર્વની સળગતી સમસ્યા છે અને ગ્રેટા થનબર્ગ જેવા કિશોર વયના પણ આ મુદ્દાની ગંભીરતા સમજી યોગદાન આપી રહ્યા છે. કેલિફોર્નિયાના રહેવાસી ૧૮ જણે એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (ઈપીએ) ઈરાદાપૂર્વક આબોહવાને પ્રદૂષિત કરી બાળકોના આરોગ્ય અને જન કલ્યાણને હાનિ પહોંચાડવાનો આક્ષેપ કરી તેની સામે અદાલતમાં કેસ દાખલ કરી દીધો છે. ફરિયાદી બાળકોનું કહેવું છે કે ઈપીએ દ્વારા તેમની સાથે ભેદભાવ કરી તેમના ભાવિ પ્રત્યે બેદરકારી દેખાડવામાં આવી છે. આ ખટલામાં એક આરોપી યુએસ ફેડરલ ગવર્નમેન્ટ પણ છે, બોલો. પોતાના ભવિષ્ય વિશે બાળકોની સજાગતાને સલામ.

એક સાલા મચ્છર, આદમી કી શાદી હોસ્પિટલ મેં કરવાતા હૈ!

નાના પાટેકરની ‘યશવંત’ નામની ફિલ્મ કેટલા લોકોએ જોઈ હશે ભગવાન જાણે, પણ એનો એક ડાયલોગ ’એક સાલા મચ્છર આદમી કો હીજડા બના દેતા હૈ’ અઢળક લોકો જાણતા હશે એ સફેદ દૂધ જેવું સત્ય છે. વરઘોડો કાઢી લગ્ન મંડપમાં જીવનસંગિની સાથે ફેરા ફરવા થનગની રહેલા દિલ્હીના અવિનાશ કુમાર નામના યુવાન માટે તો નાના પાટેકરના સંવાદે ‘એક સાલા મચ્છર, આદમી કી શાદી હોસ્પિટલ મેં કરવાતા હૈ’ જેવું સ્વરૂપ ધારણ કર્યું હતું. થયું એવું કે કંકોતરી લખાઈ ગઈ, દિલમાં શરણાઈના સૂર વાગી રહ્યા હતા અને લગ્ન આડે ચાર દિવસ બાકી હતા ત્યારે મચ્છરને વરરાજા પર એવું હેત ઉભરાયું કે અવિનાશને ડેન્ગી થઈ જતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. છેલ્લી ઘડીની ખરીદી અને તૈયારીમાં પંક્ચર પડી ગયું. તબિયત બગડતા લગ્ન મુલતવી રાખવાનો પ્રસ્તાવ આવ્યો.
જોકે અવિનાશની મંગેતર અનુરાધા પોતાના પરિવારના સભ્યો સાથે અવિનાશની ખબર કાઢવા હોસ્પિટલ ગઈ ત્યારે ‘કયૂં ન શાદી અસ્પતાલ મેં હી કર ડાલે?’ એવો ઝબકારો થયો. અવિનાશ પણ રાજી થઈ ગયો અને નાણાવટી સાજન બેઠું માંડવે ને બદલે બેઠું હોસ્પિટલે એવો બદલાવ કરી લગ્ન ભપકા સાથે મોટા મેરેજ હૉલની બદલે હોસ્પિટલના મિટિંગ હૉલમાં પાર પડ્યા.

અકેલે હૈં તો ક્યા ગમ હૈ? ‘બસ’ એક જરા સાથ હો તેરા

મુંબઈ હોય કે બેંગલુરુ, પબ્લિક ટ્રાન્સપોર્ટ વિના જનતાનો આરો કે ઓવારો નથી. જોકે ધસારાના સમયે ટ્રેન – બસમાં બેસવાની જગ્યા મળવી એ કેટલી મુશ્કેલ બાબત છે એનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ પરિસ્થિતિમાં જો તમને કહેવામાં આવે કે બેંગલુરુમાં એક એવી બસ દોડે છે જેમાં કોઈ પણ સ્ટોપ પરથી તમે ચડો તો બેસવા નહીં, પણ સૂવાની જગ્યા મળી જાય તો તમે કહેશો સપનામાં ને? તો જાણી લ્યો કે આ સપનું નહીં, પણ હકીકત છે. હરિહરન નામના સોશિયલ મીડિયા પર અને ખાસ કરી ટ્વિટર પર પોસ્ટ કરતા રહેતા ભાઇશ્રીએ બસની અંદરની એક તસવીર મૂકી છે અને જાણકારી આપી છે કે આ બસ સેવા માત્ર એને એકલાને લઈ આવ જા કરે છે.
હરિહરને સ્પષ્ટતા કરી છે કે ‘બેંગ્લુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં હું એરપોર્ટથી ઘરે જઈ રહ્યો છું અને આ બસ માત્ર મારા માટે જ દોડે છે. હું એકમાત્ર મુસાફર, સાથે ડ્રાઈવર અને કંડકટર’. બસ સેવાના ત્રિદેવ. વળી આ વાત એક દિવસ પૂરતી નથી, દરરોજ ‘ઉજ્જડ બસમાં હરિહરન પ્રધાન’ જેવી ઘટમાળ જોવા મળે છે.

સાક્ષરતા સાટુ સેલફોનને ‘સજા’

છલાંગ પર છલાંગ લગાવી ટેકનોલોજી દરરોજ દોડી રહી છે. એની સાથે તાલ મિલાવવા મનુષ્ય જીવનમાં શિક્ષણ – ભણતરનું મહત્ત્વ પણ ખૂબ જ વધી રહ્યું છે. જોકે આજનાં બાળકોમાં અભ્યાસ કરતા ટેકનોલોજીનાં ઉપકરણો માટે વધુ દિલચસ્પી જોવા મળી રહી છે. પરિણામે હાથમાં પુસ્તક નહીં પણ મોબાઈલ ફોન અને અન્ય ગેજેટ્સ વધુ જોવા મળી રહ્યા છે. ‘મારા ત્રણ વર્ષના બાળકને મોબાઈલ મચડતા આવડી ગયો છે’ એવું ગર્વથી કહેવામાં આવે છે. દૂષણ ઓળખી ગયેલા ઓસ્ટ્રેલિયાના પાડોશી ટચૂકડા ન્યૂઝિલેન્ડની સરકાર સફાળી જાગી છે અને આંખો ચોળી સમગ્ર દેશની શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક સમયે વિશ્ર્વના શ્રેષ્ઠ સાક્ષરતા ધરાવતા દેશોની યાદીમાં કિવી ક્ધટ્રી તરીકે પણ ઓળખાતા ન્યૂઝિલેન્ડનું નામ ટોપ ટેનમાં આવતું હતું. જોકે છેલ્લા કેટલાક વર્ષથી વિદ્યાર્થીઓના લેખન અને વાંચનમાં ઓટ આવી હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું છે. યુએસ, યુકે અને ફ્રાન્સમાં બાળકોને મોબાઈલ ફોનથી છેટા રાખવાની નીતિ હવે કિવી ક્ધટ્રી પણ અપનાવશે અને એને પગલે બાળકોમાં લેખન અને વાંચનની રૂચિ પહેલા જેવી થઈ જશે એવો વિશ્ર્વાસ વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને વ્યક્ત કર્યો છે.

ઉંમરમાં બાળક, સમજણમાં પાલક

વિજ્ઞાન કહે છે કે બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં એના મગજનો ૯૦ ટકા વિકાસ થઈ ગયો હોય છે. જોકે ઉંમર અને સમજણને કોઈ સંબંધ ન હોય એવા અનેક ઉદાહરણ જોવા મળ્યાં છે. ઘડપણમાં બાળપણ ડોકિયું કરવા લાગે તો બચપનમાં પચપનના દર્શન પણ થઈ જાય. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક તસવીર સાથેના કિસ્સામાં ઉંમરમાં બાળક હોવા છતાં એક પાલક જેવા સ્વભાવનું દર્શન કરાવ્યા હોવાની જાણકારી લોકોને આનંદિત કરી રહી છે. મિસ્ટર બાલાજી નામના શખસે તેમના અંકિત નામના પુત્રની એક માયાળુ તસવીર શેર કરી છે. જાણકારી અનુસાર ચેસ રમવામાં નિપુણતા ધરાવતા અંકિતે તાજેતરમાં એક ટુર્નામેન્ટ જીતી રોકડ ઈનામ મેળવ્યું હતું. શતરંજના પટ પર પ્રતિસ્પર્ધીને પોતાની ચાલથી ગૂંચવી નાખતા બાળક અંકિતે જે કર્યું છે એ જોઈ અનેક લોકો આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. ઈનામની રકમમાંથી કેટલાક પૈસામાંથી તેણે પરિવારની ‘અન્નપૂર્ણા’ માટે એક મોબાઈલ ફોન ખરીદ્યો છે. શ્રીમાન બાલાજીએ તસવીર સાથે લખ્યું છે કે ‘અંકિત અત્યાર સુધીમાં ચેસ ટુર્નામેન્ટમાં સાત હજાર રૂપિયા જીત્યો છે અને એમાંથી બે હજાર રૂપિયાનો મોબાઈલ તેણે અમારા ઘરમાં રસોઈનું કામ કરતાં સરોજાને આપ્યો છે. માતા પિતા કેવું ગૌરવ અનુભવે એ કહેવાની જરૂર ખરી?’ અંકિત જેવા બાળકોની વસતી વધે એવી પ્રાર્થના.

લ્યો કરો વાત!

દરરોજ એક વાર ઝઘડો – બોલાચાલી ૭૬મી લગ્નતિથિ ઉજવનારા આલ્ફ્રેડ દાદા અને જોસેફાઈન દાદીના સુખી દાંપત્ય જીવનનું રહસ્ય છે. તેમની કથા સાંભળ્યા પછી અનેક યુગલને આશ્ર્ચર્ય થાય છે. ઈર્ષા પણ ન થાય તો જ નવાઈ. બંનેએ આયુષ્યની સેન્ચુરી પણ ગયા વર્ષે પૂરી કરી હતી અને હજી ઘણા સ્વસ્થ છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી કોઈ વાતને ગંભીરતાથી લેવી જ નહીં એ તેમનો જીવનમંત્ર છે. આજના જમાનામાં લગ્ન ઝાઝાં ટકતાં નથી એવા વાતાવરણમાં દાદા – દાદીનું જીવન ઉદાહરણરૂપ અને પ્રેરણા આપનારું છે. આ જૈફ યુગલને ચાર પૌત્ર – પૌત્રી છે અને આઠ પ્રપૌત્ર – પ્રપૌત્રી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button