નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આજે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ની ચોથી બેઠક યોજાઇ હતી. અત્યાર સુધી ‘ભારત’ ગઠબંધનની ત્રણ બેઠકો પટના, બેંગલુરુ અને મુંબઈમાં થઈ ચૂકી છે. આ પછી ચોથી બેઠક આજે એટલે કે મંગળવારે નવી દિલ્હીની અશોકા હોટલમાં યોજાઈ હતી. આ બેઠકમાંથી મોટુ અપડેટ જાણવા મળ્યું છે. એવી માહિતી મળી છે કે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ અને AAPના અરવિંદ કેજરીવાલે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે કન્વીનર પદ માટે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે સ્પર્ધા છે. તેમજ કન્વીનરોની ચાર જગ્યાઓ પણ પ્રસ્તાવિત કરવામાં આવી છે, જેની ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસે કન્વીનરનો મુદ્દો સંપૂર્ણપણે સાથી પક્ષોની સર્વસંમતિ પર છોડી દીધો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
I.N.D.I.A.ગઠબંધન માટે નવુ થીમ સોંગ પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ થીમ સોંગ પણ અલગ અલગ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે 11 સભ્યોની બનેલી એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે જે ભારત બ્લોકની ભાવિ ભૂમિકા નક્કી કરશે અને એક સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ બનાવવામાં આવશે. વધુમાં, ગઠબંધન એક મીડિયા સેલ અને સોશિયલ મીડિયા સેલ બનાવવાનું પણ આયોજન કરી રહ્યું છે. એમ પણ નક્કી કરવામાં આવ્યું છે કે જો અકાલી દળ ગઠબંધનમાં જોડાશે તો પણ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની ભૂમિકા ઓછી થશે નહીં, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે PM મોદીની ભારતીય જનતા પાર્ટી (BJP) ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)નો સામનો કરવા અને તેને 2024ની લોકસભામાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત જીતવાથી રોકવા માટે વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને