આરએસએસના પદાધિકારીઓએ જાતી આધારિત સેન્સસનો વિરોધ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પદાધિકારી શ્રીધર ગાડગેએ મંગળવારે કહ્યું હતું કે જાતી આધારિત જનગણના (સેન્સસ) ન થવું જોઈએ. તેમણે જાણવા માગ્યું હતું કે આની ફલશ્રૃતિ શું?
જાતી આધારિત જનગણનાની કવાયતથી કેટલાક લોકોને રાજકીય ફાયદકો થઈ શકે છે, કેમ કે તેનાથી કઈ જાતીના લોકોની વસ્તી કેટલી છે તે જાણવા મળશે, પરંતુ તે સામાજિક દૃષ્ટિએ અને દેશની એકતાના સંદર્ભમાં યોગ્ય નથી, એમ વિદર્ભ સહ-સંચાલક ગાડગેએ મંગળવારે કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ જાતી આધારિત જનગણનાના સમર્થનમાં છે.
ગાડગેએ એક સમાચાર ચેનલને કહ્યું હતું કે અમને લાગે છે કે જાતી આધારિત વસ્તીગણતરી ન થવવી જોઈએ, કેમ કે આવું કરવાનું કશું જ કારણ નથી. આવી વસ્તી ગણતરી કરીને આપણે શું સાધ્ય કરી લઈશું? આ ખોટું છે.
અમારું વલણ સ્પષ્ટ છે. અસમાનતા, દુશ્મનાવટ કે ઝઘડો ન થવો જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું. ગાડગેએ એમ પણ કહ્યું હતું કે જાતી આધારિત વસ્તી ગણતરીને આરક્ષણ સાથે કશો જ સંબંધ નથી. આરક્ષણ અલગ બાબત છે અને જાતી આધારિત વ્યવસ્થાને તમે ખતમ કરી શકો છો.