ઇડીએ બિટકોઇન માર્કેટિંગ સ્કીમના પ્રમોટરની સંબંધી સિમ્પી ભારદ્વાજની કરી ધરપકડ
મુંબઈ: બિટકોઇન રોકાણોને સંડોવતા રૂ. 20 કરોડના મલ્ટી-લેવલ માર્કેટિંગ કૌભાંડ ચલાવતા મૃત વેપારીની સંબંધી સિમ્પી ભારદ્વાજની આખરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) રવિવારે ધરપકડ કરી હતી.
સિમ્પીનો પતિ અજય ભારદ્વાજ અને અજયના ભાઇ સ્વ. અમિત ભારદ્વાજ દ્વારા આચરવામાં આવેલા ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં સિમ્પી સક્રિય રીતે સંડોવાયેલી હતી. આ ત્રણેય સામે મુખ્ય આરોપ એ છે કે તેમના બિટકોઇનના વેપારમાં રોકાણ પર ઉચ્ચ વળતર આપવાનું વચન આપી રોકાણકારો સાથે તેમણે છેતરપિંડી આચરી હતી. અમિતના મૃત્યુ બાદ ઇડી દ્વારા તેનાં અંગત ડિવાઇસીસ પર સંગ્રહ કરેલા ડેટાની તપાસ કરાઇ રહી હતી, જેમાં ક્રિપ્ટો કરન્સી વોલેટ્સ હોવાની ધારણા છે. જોકે હજી સુધી એવું કોઇ પગેરું મળ્યું નથી.
ઇડીએ સોમવારે સિમ્પીને મુંબઈની કોર્ટમાં હાજર કરી હતી, જ્યાં તેને 26 ડિસેમ્બર સુધીની ઇડી કસ્ટડી ફટકારવામાં આવી હતી. રવિવારે તલાશી દરમિયાન સિમ્પીએ ધીંગાણું મચાવ્યું હતું અને અજય ભારદ્વાજ તથા તેના સાળાને ભગાડવામાં મદદ કરી હતી, એવો ઇડીનો આરોપ છે.
ઇડીનો આરોપ છે કે વેરિયેબલટેક પ્રા.લિ., સિંગાપોરમાં નોંધાયેલી છે, જે બિટકોઇન્સમાં રોકાણો ભેગાં કરે છે. રિમાન્ડ અરજીમાં ઇડીએ જણાવ્યું હતું કે સિમ્પીએ વેરિયેબલટેકના ડિરેક્ટરો અમિત અને અજય સાથે મળી તેમની વેબસાઇટ થકી મોટા પાયે જાહેર જનતાને છેતરવા માટે ફોજદારી કાવતરું ઘડ્યું હતું.
વેરિયેબલટેક બ્લોક ચેઇનમાં અને ક્રિપ્ટોકરન્સી માઇનિંગ ટેક્નોલોજીમાં સંકળાયેલી છે અને ચીનમાં માઇનિંગ ફાર્મ ધરાવે છે. કંપનીએ ક્લાઉડ માઇનિંગ સર્વિસ પ્રોવાઇડર (ગેઇન બિટકોઇન) પાસેથી બિટકોઇન્સના સ્વરૂપમાં ચુકવણી કરી મોટા વેન્ડરો પાસેથી ક્લાઉડ માઇનિંગ હૅશ પાવર હસ્તગત કરી હતી.
ઇડીનો આરોપ છે કે સિમ્પી અને ડિરેક્ટરોએ 18 મહિના માટે બિટકોઇન દીઠ 10 ટકાના વળતરો માટે એક્સચેન્જ સોદા થકી ક્લાઉડ માઇનિંગ સ્પેસ રોકાણકારોને ઓફર કરી હતી. યોજના મુજબ રોકાણકારો ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અથવા સિમ્પી અને અન્ય દ્વારા ચલાવાતી વેરિયેબલટેકની માલિકીના અને નિયંત્રિતક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ.કોમ પરથી બિટકોઇન્સ ખરીદી કરી શકે છે. આરોપીએ ભારતભરમાં માર્કેટિંગ કર્મચારીઓની ટીમ રાખી હતી, જેઓ મોટા પાયે રોકાણકારોને ભેગા કરવામાં મદદ કરતા હતા.
ઇડી દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા બાદ અમિતના ભાઇએ દાવો કર્યો હતો કે અમિતનાં ગેજેટ્સમાં ક્રિપ્ટો વોલેટ્સની વિગતો હતી, જે અમિતના મૃત્યુ બાદ ચોરાઇ ગઇ હતી. અમિતે બિટકોઇન્સના સ્વરૂપમાં ભેગું કરેલું ભંડોળ ક્યાં સંગ્રહ કર્યું છે તે પોતાને ખબર નથી, એમ પણ તેણે જણાવ્યું હતું.