તમિલનાડુમાં પૂરને પગલે 3ના મોત, ભારે વરસાદને કારણે ટ્રેનમાં 800 પ્રવાસીઓ ફસાયા
તમિલનાડુ: દેશના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્યો હાલ અતિવૃષ્ટિના ભીષણ સંકટનો સામનો કરી રહ્યા છે. આ જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયા છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ કુલ 3 લોકોના મોત થયા છે.
તમિલનાડુના થુટુકુડી જિલ્લામાં પૂરની સ્થિતિને કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર્સ દ્વારા ફૂડ પેકેટ્સ સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી દિવસોમાં તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ચેન્નાઈના હવામાન વિભાગે કહ્યું છે કે આગામી ત્રણ કલાકમાં કરાઈકલ અને તમિલનાડુના અન્ય ઘણા જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થઈ શકે છે. જે જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે તેમાં પુડુકોટ્ટાઈ, તંજાવુર, તિરુવર, નાગપટ્ટિનમ, રામનાથપુરમ અને શિવગંગાઈનો સમાવેશ થાય છે. થેની, તેનકાસી, કન્યાકુમારી, થિરુનેલવેલી, થૂથુકુડી અને વિરુધુનગર જિલ્લામાં હળવા વરસાદની અનુમાન છે.
તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહારને માઠી અસર થઈ છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 670 mm અને 932 mm વરસાદને કારણે તિરુનેલવેલી અને તુતીકોરિન જિલ્લામાં ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. ઘણા સ્ટેશનો પર પાણી ભરાઈ ગયા છે. એવામાં સમાચાર મળી રહ્યા છે કે ભારે વરસાદને કારણે 800 મુસાફરો તિરુચેન્દુર અને તિરુનેલવેલી સ્ટેશનો વચ્ચે ચાલતી ટ્રેનમાં અટવાયા છે. સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને NDRFની મદદથી તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. NDRFએ કહ્યું છે કે તેની બે ટીમો ફસાયેલા મુસાફરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. વાયુસેના દ્વારા પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કામગીરી થઇ રહી છે. લોકોને એર લિફ્ટ કરવામાં આવી રહ્યા છે. એક સગર્ભા મહિલા અને દોઢ વર્ષની બાળકી સહિત ચાર મુસાફરોને ભારતીય વાયુસેનાએ સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને નિવેદન આપ્યું હતું કે ચેન્નાઈના હવામાન વિભાગે 17 અને 18 ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી કરી હતી, પરંતુ વરસાદ ધાર્યા કરતા વધુ પડ્યો હતો. આથી મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. તમિલનાડુ સરકારે રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી વ્યવસ્થા કરી હતી. મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલિન આજે પીએમ મોદીને મળશે અને પૂરની સ્થિતિ વિશે જાણકારી આપશે.
તમિલનાડુના તટીય વિસ્તાર કેપ કોમરિનમાં ચક્રવાતી પરિભ્રમણની રચનાને કારણે રાજ્યના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણના જિલ્લાઓમાં ઘણી નદીઓ અને તળાવો છલકાઈ રહ્યા છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFના જવાનોને કન્યાકુમારી, તિરુનેલવેલી, તુતીકોરીન અને તેનકાસીમાં તૈનાત કરવામાં આવ્યા છે.