નેશનલ

નાગપુર ફેક્ટરી વિસ્ફોટ કેસમાં પોલીસે કેસ નોંધ્યો વિધાનસભ્યોએ કંપની પર સલામતી ક્ષતિઓનો આરોપ મુક્યો

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા તે સંબંધમાં કોંધલી પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ નિરીક્ષક પંકજ વાઘોડેની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 304 (એ) (બેદરકારીથી મૃત્યુનું કારણ ) અને 286 (વિસ્ફોટક પદાર્થના સંદર્ભમાં બેદરકારીભર્યું વર્તન) હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. મૃતકોની ઓળખ કરવા માટે શરીરના અંગોને પોસ્ટમોર્ટમ અને ડીએનએ વિશ્લેષણ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સ્થળ પરથી કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે. સોમવારે રાજ્ય વિધાન પરિષદમાં આ મુદ્દો ઉઠાવતા, વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે (શિવસેના-યુબીટી) એ જવાબદારી નક્કી કરવા માટે નાગપુર જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટની માગણી કરી અને ઔદ્યોગિક સુરક્ષા વિભાગના સંબંધિત અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરી હતી. કૉંગ્રેસના એમએલસી શશિકાંત શિંદેએ કહ્યું, કંપનીમાં વિસ્ફોટની આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં પણ આવી બે ઘટનાઓ બની હતી. કૉંગ્રેસના એમએલસી ભાઈ જગતાપે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં લઘુતમ વેતન 12,000 રૂપિયા છે, જ્યારે કંપની કામદારોને દર મહિને માત્ર 10,500 રૂપિયા ચૂકવતી હતી. તેમણે માંગ કરી હતી કે કામદારોની સેવાઓ નિયમિત કરવામાં આવે.
સોલાર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયાના વરિષ્ઠ જનરલ મેનેજર આશિષ શ્રીવાસ્તવે રવિવારે જણાવ્યું હતું કે આ ઘટના બની એ બિલ્ડિંગમાં બની હતી જ્યાં કોલસાની ખાણોમાં વપરાતા બૂસ્ટરનું ઉત્પાદન થાય છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે કામદારો ટ્રિનિટ્રોટોલ્યુએન કેમિકલના ઉત્પાદન અને પેકેજિંગમાં રોકાયેલા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો, જેનો વ્યાપકપણે લશ્કરી કાર્યક્રમોમાં ઉપયોગ થાય છે.
આ ઘટના પછી, ગુસ્સે ભરાયેલા સ્થાનિકો અને કામદારોના સંબંધીઓએ વિસ્ફોટક ઉત્પાદન એકમની સાઇટ સાથે ચાલતા અમરાવતી-નાગપુર હાઇવેને બ્લોક કરી દીધો હતો, અને પરિસરમાં પ્રવેશની માગણી કરી હતી જેથી તેઓ તેમના પ્રિયજનોના મૃતદેહોને જોઈ શકે. બાદમાં પોલીસે તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ટોળું વિખેરાઈ ગયું હતું. મૃતદેહોને શોધવા માટે, પોલીસે અકસ્માત સ્થળની ઉપર ડ્રોનનો ઉપયોગ કર્યો અને પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક ટીમ સાથે બોમ્બ શોધ અને નિકાલ ટૂકડી તૈનાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ફેક્ટરી પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન ના અધિકારક્ષેત્રમાં આવે છે અને તેના અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રવિવારે રાત્રે સ્થળ પર પહોંચ્યા અને મૃતકના પરિવારજનો સાથે વાત કરી. તેમણે નાગરિક, પોલીસ અને કંપનીના અધિકારીઓ પાસેથી ઘટના વિશે માહિતી લીધી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના સંબંધીઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપશે, જ્યારે કંપની તરફથી દરેક રકમ 20 લાખ રૂપિયા મળશે. ડેપ્યુટી સીએમ અજિત પવારે પણ રવિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button