નેશનલ

કોરોનાનો પગપેસારો: ૨૪ કલાકમાં પાંચનાં મોત: ૩૩૫ નવા કેસ

નવી દિલ્હી: ભારતથી લઇને સિંગાપુર સુધી આખી દુનિયામાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો થયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોવિડના ૩૦૦ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાને કારણે પાંચના દર્દીનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં પાંચ દર્દીઓ માત્ર કેરળના જ છે. જ્યારે એક ઉત્તર પ્રદેશમાંથી છે. કેન્દ્રીય આરોગ્ચ મંત્રાલય મુજબ ભારતમાં રવિવારે કોવિડના ૩૩૫ નવા દર્દીઓ નોંધાયા હતાં. જેને કારણે એક્ટિવ કેસનો આંકડો ૧,૭૦૧ પર પહોંચી ગયો છે. આ બધાની વચ્ચે કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ જેએન વન પણ મળી આવ્યો છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના ૪,૫૦,૦૪,૮૧૬ કેસ સામે આવ્યા છે. ત્યાં વધુ પાંચ દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને ૫,૩૩,૩૧૬ પર પહોંચી ગયો છે. આ બીમારીમાંથી સાજા થનારાઓની સંખ્યા વધીને ૪,૪૪,૬૯,૭૯૯ થઇ ગઇ છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ દેશમાં રિકવરી રેટ ૯૮.૮૧ ટકા છે જ્યારે મૃત્યુ દર ૧.૧૯ ટકા છે. મંત્રાલયની વેબસાઇટ મુજબ દેશમાં અત્યાર સુધી -૧૯ વેક્સીનના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ફરી એકવાર કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા જોઇને લોકોના મનમાં ડર ફેલાઇ રહ્યો છે. આઠમી ડિસેમ્બરના રોજ કેરળમાં કોવિડ-૧૯નો સબવેરિયન્ટ જેએન વનનો એક કેસ નોંધાયો હતો. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ૭૯ વર્ષની મહિલાના ૧૮મી નવેમ્બરના રોજ આરટીપીસીઆર ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું હતું. જેમાં ઇન્ફ્લ્યુએન્ઝા જેવી બીમારીના સાધારણ લક્ષણો હતાં. અને તે કોવિડ-૧૯માંથી સાજા થઇ ગયા હતાં. અગાઉ સિંગાપુરથી આવેલ તમિલનાડુની એક વ્યક્તીમાં પણ જેએન વન સબવેરિયન્ટ મળી આવ્યો હતો.

કોરોનાના કેસ વધતા કેન્દ્રે રાજ્યોને સતર્ક રહેવાનું જણાવ્યું
નવી દિલ્હી : દેશમાં કોવિડ-૧૯ના કેસમાં થયેલા વધારા અને દેશમાં નવા વેરિયન્ટ જેએનવનના પ્રથમ કેસનું નિદાન થતાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત સાબદા રહેવાનું જણાવ્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રના આરોગ્ય સચિવ સુધાંશ પંતે પત્રમાં કહ્યું હતું કે
કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાતત્યભરી સહયોગાત્મક કાર્યવાહીને લીધે આપણે કોવિડ-૧૯ને કાબૂમાં રાખવામાં સફળ થયા છીએ. જોકે કોરોનાનો વાઈરસનો પ્રસાર અને એનું મહામારી ફેલાવાનું વર્તન ભારતીય હવામાનમાં ચાલુ હોવાથી જાહેર આરોગ્ય સામેના પડકારોનો અસરકારક સામનો કરવાનો જુસ્સો જાળવી રાખવો પડશે. પંતે એવી નોંધ લીધી હતી કે હાલમાં કેરળ જેવા જૂજ રાજ્યોમાં કોરોનાના કેસમાં નજીવો વધારો થયો છે.
કોરોના-૧૯ના સબ વેરિયન્ટ જેએન વનનો ભારતનો પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો. અગાઉ તમિળનાડુના તિરુચીરાપલ્લી જિલ્લાના પ્રવાસીનું જેએન વન વેરિયન્ટનું પરિક્ષણ સિંગાપોરમાં પોઝિટિવ આવ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button