તરોતાઝા

સ્મૃતિનાં આ તે કેવાં વિષ – અમૃત

ઈશ્ર્વરે આપેલું સૌથી મોટું વરદાન સ્મૃતિ છે કે વિસ્મૃતિ કે પછી એ બન્ને છે શ્રાપ ?

‘આરોગ્ય + પ્લસ ’ – ભરત ઘેલાણી

આ પણ વિધિની કેવી વિચિત્રતા કે સાથે ગાળેલી અનેક મધુર પળ જે એક સમયે મમળાવવી ગમતી હતી તે જ છૂટ્ટાં પડી ગયા પછી યાદ આવે ત્યારે કેવી કપરી લાગે છે..
આ બધા ખેલ સ્મૃતિના છે. માનવ માત્ર માટે સ્મરણશક્તિ જેટલી જરૂરી છે-અગત્યની છે એટલું જ મહત્ત્વ વિસ્મૃતિનું છે. જેટલી સહજતા-સરળતાથી કોઈ વાત યાદ રહી જાય છે એટલી સહેલાઈથી વાત ભૂલાતી નથી.

હકીકતમાં મેમેરી કે સ્મૃતિ કે પછી યાદદાસ્ત એટલે શું?

સરળ ભાષામાં કહીએ તો સ્મૃતિ એ મગજની એવી વિશેષ ગોઠવણ છે કે જ્યાં જાતજાતની માહિતી પહોંચે ને એનો ત્યાં સંગ્રહ થાય પછી જરૂર પડે ત્યારે એ બહાર પ્રગટે.

વિસ્મૃતિનું પણ લગભગ આવું જ છે. જોઈતી વાત (એટલે કે માહિતી) મગજમાં ગોઠવાઈ જાય,પરંતુ જરૂર પડે ત્યારે એ સ્મૃતિરૂપે પ્રગટે જ નહીં અને વિસ્મૃતિના ગર્તામાં એ ધકેલાઈ જાય – ક્યારેક કામચલાઉ તો ક્યારેક હંમેશને માટે આવાં સ્મરણલોપનાં અકસ્માતથી લઈને વૃદ્ધાવસ્થાનાં અનેક કારણ હોઈ શકે. ફિલ્મમાં હીરો-હિરોઈન કોઈ અકસ્માતમાં યાદદાસ્ત ગુમાવે ( મૈં કહાં હૂં ?! ) ને પછી ફરી કોઈ ઍક્સિડન્ટ થાય અને ગુમાવેલી યાદેં પરત આવી જાય!

વાસ્તવમાં આવું ભાગ્યે જ બને. આમ છતાં, વિસ્મૃતિ-સ્મૃતિ આપણા જીવનમાં જે મહત્ત્વનો ભાગ ભજવે છે એની ના નહીં. જેમ કોઈ ઘટના ધારો તોય એટલી સહજતાથી તમે ભૂલી જઈ શકતા નથી તેમ ધારો છતાંય બધું યાદ પણ નથી રાખી શકતા. યાદ સારી હોય કે નરસી, કુદરતી રીતે જ મગજની રચના જ એવી છે કે સમયના અમુક અંતરે – સમયે યાદ રાખવા ધારેલી માહિતી પણ કામચલાઉ વિસરાઈ જાય.

મેમરી વિશે લેટેસ્ટ રિસર્ચ કરનારા ટોરેન્ટોના ડો. પોલ ફ્રેન્કલેન્ડ કહે છે કે અમુક તબક્કે અમુક વાત વિસરાય જાય એ અગત્યનું છે. એ ભૂલાય તો જ નવી માહિતી (યાદ) મગજમાં સંધરાશે જો કે , સ્મૃતિ હોય કે પછી વિસ્મૃતિ – એ બન્નેમાંથી એકેયનો અતિરેક સારો નહીં. ધારી લો કે કોઈ વ્યક્તિ નાની વયથી લઈને આજ સુધીની પ્રત્યેક પળની સારી કે નરસી ઘટના જો એને યાદ રહી જાય તો શું થાય? કોઈએ ધાર્યું ન હોય એટલો માહિતીનો ભરાવો અથવા કહો તો માહિતીનો વિસ્ફોટ એના મગજમાં એવો થાય કે કોઈ પણ એને માનસિક રીતે પચાવી’ ન શકે.

બ્રિસ્બેન ( ઓસ્ટ્રેલિયા)ની ૩૧ વર્ષી રેબેકાને છેલ્લાં ૧૯-૨૦ વર્ષથી અત્યાર સુધીની પ્રત્યેક ક્ષણ – મિનિટની દરેકે દરેક ઘટના યાદ છે. આનાથી ત્રસ્ત રેબેકાની આવી સ્મરણશક્તિને – ‘સુપર મેમરી’ને તબીબો ‘હાઈપર્થિમેસિયા’ સિન્ડ્રોમ તરીકે ઓળખાવે છે. જગતમાં આવાં વિશિષ્ટ લક્ષણ અત્યારે માત્ર ૬૦ વ્યક્તિ જ ધરાવે છે..

આનાથી સાવ વિરોધાભાસી સ્મૃતિ પણ છે,જેમાં કોઈ કોઈ વ્યક્તિ માત્ર ગણતરીની ૧૫- ૨૦ કે પછી ૩૦ મિનિટ માટેની જ યાદદાસ્ત ધરાવે. એ પછી એને આપવામાં આવેલી બધી જ માહિતીનું બાષ્પિભવન ! આને તબીબો ‘શોર્ટ ટર્મ મેમરી ’ કહે છે. આનું યાદગાર ઉદાહરણ છે આમિર ખાનની ફિલ્મ: ‘ગજની’ !)

ઈશ્ર્વરે આપેલું સૌથી મોટું વરદાન સ્મૃતિ છે કે વિસ્મૃતિ કે પછી એ બન્ને છે શ્રાપ ? માનવ મગજ પણ સ્મૃતિની જેમ વિસ્મૃતિના પણ અનેક આટાપાટા ખેલે છે. ચોક્કસ ઘટના પછી અચાનક જીવનમાંથી ખોવાઈ જતી – લોપાઈ જતી કોઈ મેમેરી મનદુરસ્તીને કઈ રીતે ડહોળી નાખે છે એ દર્શાવતી અનેક કથા રજૂ થઈ છે.

જાણીતા પત્રકાર શિશિર રામાવતના એક ગુજરાતી નાટકમાં એક એવી ચુલબુલી યુવતીની વાત આવે છે,જે એક કાર અકસ્માત પછી બધું જ ભૂલી જાય છે. એને માત્ર એ અકસ્માતવાળા દિવસની બધી જ વાત યાદ છે અને એનાથી જ રોજ એની સવાર પડે છે. આ દરમિયાન એક યુવકના પ્રેમમાં પડે છે,પણ પછી મૂળ એક ઈંગ્લિશ ફિલ્મ પર આધારિત આ નાટક ( ‘તને રોજ મળું છું હું પહેલી વાર’) વિસ્મૃતિની વિસંગતિઓને સરસ રીતેરજૂ કરે છે..

આમ જુવો તો જ્ઞાનીઓ કહે છે તેમ અમુક સ્મૃતિ સમયની સાથે ભૂલાતી કે ભૂંસાતી નથી,પણ એ યાદને સહન કરી લેવાની શક્તિ આપણામાં વધે છે માટે જે સુખદ વાત આપોઆપ યાદ રહી જાય ને જે દુ:ખદ વાત આપમેળે વિસરાય જાય એમાં નિયાતના યોગ-વિયોગ માનજો…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…