તરોતાઝા

મેથીના ગુણ પાનથી પાક સુધી

એક સમય હતો જ્યારે દિવાળી જાય ને ઠંડી પડવાનું શરૂ થાય ત્યારે બા બાપુજીના હાથમાં એક લિસ્ટ પકડાવી દેતી જેમાં મેથીપાક બનાવવા માટેની કાચી સામગ્રી મંગાવવાની વિગતો લખી હોય.

મેથીનો લોટ, ગોળ – ઘી. ખારેક, ટોપરુ, બદામ વિ. ભાત ભાતની ચીજો ઉમેરીને પાક બનાવવામાં આવે પણ વટ તો મેથીનો જ પડે એટલે નામ પણ મેથીપાક. આજકાલના મોટા ભાગના છોકરા- છોકરીઓને મેથીપાક ખાવા માટે આપીએ તો મોઢું બગાડે. કહે કડવો લાગે છે. આ જ છોકરાઓ ડાર્ક ચોકલેટ ઉત્સાહથી આરોગી જાય. ભલેને ગળપણ ઓછું અને કડવામણ વધુ હોય. કારણ એક જ ડાર્ક ચોકલેટનું આકર્ષક પેકિંગ અને ભરમાવતી જાહેરાતો.

ભારતના કોઈ ઉત્પાદકે મેથીપાક ને આકર્ષક બનાવી શિયાળામાં જાહેરાત કરવી જોઈએ જેથી યુવા પેઢી દાદા દાદીની આ શિયાળુ રેસિપીને માણે અને પૂરું વર્ષ સ્વસ્થ રહે. જોકે આ શક્ય ન બને ત્યાં સુધી માબાપે મેથીનો ઉપયોગ કેમ કરવો જોઈએ તેની સમજણ સંતાનોને આપવી જોઈએ.

મેથીપાક બનવવાની સગવડ કે સ્થિતિ ન હોય તો મૂંઝવાની જરૂર નથી. મેથીના દાણા સવારે પલાળીને ખાવાથી પણ ઘણા લાભ થાય છે.

દાળ-શાક કે કઢીના વધારમાં વપરાતી મેથી સ્વાદ તો વધારે જ છે સાથે દરેક પ્રકારના વાયુના રોગોથી શરીરને બચાવે છે. શિયાળામાં થતા ભાત ભાતના સાંધાના દુખાવાથી બચવા રાત્રે પલાળેલા મેથીના દાણા સવારે ચાવીને ખાવા જોઈએ. શરીરના દુખાવા ઉપરાંત અનેક મોટી બીમારીમાં મેથી ઔષધનું કામ કરે છે.

આપણ ગુજરાતીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે હોય છે ત્યારે મેથી ખરેખર મિત્ર બનીને આવે છે, કડવી મેથીના ઉપયોગથી શરીરમાં સાકરનું પ્રમાણ (સુગર લેવલ) નિયંત્રણમાં રહે છે.

મેથીમાં કેલ્શિયમનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં હોવાથી શરીરના સાંધાના દુખાવામાં તો રાહત થાય છે , સાથે સાથે હાડકા વધુ મજબૂત બને છે

જાડાપણુ ઘણી બીમારીઓનું ઘર છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળીને સવારે જરૂર ખાઓ. ખાલી પેટ આમ કરવાથી તમારું વજન ઓછું થશે.
મેથીને પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી તમારૂ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થઈ જાય છે. જો આમ રોજ કરાવામાં આવે તો ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

ભારતમાં મોટાભાગે મસાલેદાર અને ઓઈલી ભોજન ખાવાનું લોકો પસંદ કરે છે. જે એસિડિટી જેવી બીમારીઓનું કારણ છે. મેથી પલાળીને ખાવાથી તમારું પાચનતંત્ર સારું થાય છે અને પેટને ખૂબ આરામ મળે છે.

તાજી મેથી ભરપૂર મળે છે તેનો લાભ ઉઠાવી લેજો

કુદરત પણ કેટલી કૃપાળુ છે. જ્યારે જે વસ્તુની જરૂરત (ડિમાન્ડ) ઊભી થાય ત્યારે જ તે વસ્તુની પહોંચ ( સપ્લાય ) વધારી દે છે. માણસના કોઈ અંગ પર ધા લાગે અને લોહી વહેવા લાગે તો શરીરના અન્ય ભાગમાંથી ત્યાં કુદરતી લોહીનો પુરવઠો વધવા લાગે છે.
શિયાળામાં વાયુકારક રોગો વધવા લાગે ત્યારે જ મેથી ની લીલી ભાજીનો મબલખ પાક ઉગી શકે તેવી ભૌગોલિક પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ જાય. (બીજી બાજુ માણસ કેટલો નિષ્કુર છે નહીં ? જ્યારે કોઈ ચીજની ડિમાન્ડ વધે ત્યારે પુરવઠો વધારવાને બદલે એ ચીજના ભાવ વધારી દે છે.) ’ હાલ જોઇએ એટલી મેથીની ભાજી બજારમાં મળે છે. આ ઉપરાંત પણ ઘણી જાતના શાકભાજી મળે છે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. મેથીના પાનની વાત કરીએ તો મેથીના પાન શરીરની કેલરીને નિયંત્રણમાં રાખે છે.

૧ કપ મેથીના પાન ફક્ત ૧૩ કેલરી વધારે છે અને પેટ ભરેલુ રાખે છે. વજન ઘટાડવા માટે અક્સીર છે.

મેથીના પાનમાં બિટા કેરોટિન અને વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે જેથી મેથી સ્ટ્રોંગ એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ આપે છે, ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે.

પાચન શક્તિ સુધારે છે. કબજિયાત મટાડે છે.

મોંના અલ્સર માટે ઉપયોગી છે

સુવાવડી માતાના સ્તનમાં દૂધનું ઉત્પાદન વધારવા ખૂબ ઉપયોગી છે, લોહતત્ત્વનું પ્રમાણ વધારે હોવાથી હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે. એનિમિયા માટે ફાયદાકરક છે.

ઠંડીમાં શરીરની ગરમી વધારે છે.

હૂદયને સ્વસ્થ રાખે છે

મેથીનો પાક બની શકે છે. તો મેથીના પાંદડામાંથી થેપલાં., ભજીયા, મૂઠિયા જેવા ફરસાણ પણ બને છે. આ ઉપરાંત તેનું શાક બનાવીને તો ખાઈ જ શક્ય છે.

આ બે મહિના મેથીનો થાય એટલો ભરપૂર ઉપયોગ કરી લેશો તો ફાયદામાં રહેશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button