દાઉદ હવે ગુજરી જાય તો શો ફરક પડે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહીમ ગેંગના માણસો સાથે રાજકારણીઓની સાંઠગાંઠનો મુદ્દો ફરી ગાજ્યો છે ત્યાં રવિવારે દાઉદ ઈબ્રાહીમ ગુજરી ગયો હોવાના સમાચાર વહેતા થયા. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલ પ્રમાણે, દાઉદ ઈબ્રાહીમને કોઈએ ઝેર આપ્યું છે તેથી તેની હાલત બગડી ગઈ છે. દાઉદને કરાચીની હૉસ્પિટલમાં દાખલ કરાયો છે અને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
બીજા વળી એવા સમાચાર આવ્યા કે દાઉદ ઈબ્રાહીમ ઉપર પહોંચી ગયો છે પણ આ સમાચાર બહાર આવે તો અત્યાર લગી પાકિસ્તાને તેને સંઘર્યો હોવાનો ભાંડો ફૂટી જાય તેથી આખી વાત દબાવી દેવાઈ છે. યોગાનુયોગ રવિવારે ઈમરાન ખાનની પીટીઆઈની વર્ચ્યુઅલ રેલીને પબ્લિસિટી ના મળે એટલે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ ડાઉન હતું. તેના કારણે કાગનું બેલવું ને ડાળનું પડવું જેવો ઘાટ થઈ ગયો. દાઉદ ઈબ્રાહીમના મોતના સમાચાર દુનિયામાં ના ફેલાય એટલે ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હોવાની વાતો પણ જોરશોરથી ચાલી.
આ બધી વાતોમાં સાચું શું ને ખોટું શું એ ખબર નથી પણ ભારતમાં દાઉદ ઈબ્રાહીમ સદાબહાર વિષય છે તેથી મીડિયાએ આ વાતોને ઉપાડી લીધી. ટીવી ચેનલો પાસે અત્યારે ચલાવવા જેવું કંઈ નથી તેથી દાઉદની સાવ ફાલતુ વાતને પણ એ લોકોએ મોટી કરી નાંખી.
દાઉદ ઈબ્રાહીમના મોતના સમાચાર પહેલી વાર નથી આવ્યા. બલકે સમયાંતરે દાઉદ ઈબ્રાહીમના મોતના સમાચારો આવ્યા જ કરે છે. આ પહેલાં કોરોના કાળ વખતે પણ મીડિયામાં એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે, દાઉદ અને તેની પત્ની કોરોના સંક્રમિત હોવાથી બંનેને કરાચીની આર્મી હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયાં હતાં ને ત્યાં દાઉદ ગુજરી ગયો છે. પહેલાં દાઉદ અને તેની પત્નિની સ્થિતિ અત્યંત ગંભીર હોવાના સમાચાર આવ્યા ને બીજા દિવસે સમાચાર આવ્યા કે, દાઉદ ઈબ્રાહીમ ગુજરી ગયો છે. દાઉદના મોતના સમાચારમાં આખા દેશને રસ પડી ગયો હતો પણ પછી ક્યાંયથી આ વાતને સમર્થન ના મળ્યું.
દાઉદના મોત અંગે હજુ સસ્પેન્સ ચાલુ હતું ત્યાં દાઉદના પરિવારે આ સમાચારને સાવ ખોટા ગણાવી દીધા. દાઉદના નાના ભાઈ અનીસ ઈબ્રાહીમે દાઉદને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચારોને ખોટા ગણાવીને ટીવી ચેનલોને કહ્યું હતું કે, ડી-કંપની દુબઈ અને પાકિસ્તાનમાં બિઝનેસ કરી રહી છે અને દાઉદને કશું થયું નથી. અનીસે દાવો કર્યો હતો કે તેના ભાઈ અને પરિવાર સુરક્ષિત છે અને કોઈને સારવાર માટે દાખલ કરાયા નથી. એ પછી પણ મીડિયામાં એવા રીપોર્ટ આવેલા કે, દાઉદ ગુજરી ગયો એ વાત અંગે કશું ના કહી શકાય પણ ભારતીય ગુપ્તચર તંત્ર માને છે કે, દાઉદ અને તેની પત્ની કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સાવ સાચા છે.
ઈન્ટેલિજન્સ એજન્સીઓના હવાલાથી આવેલા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે, કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં રહેનારા દાઉદ અને તેની પત્નીને કોરોના થયો હોવાથી કરાચીના આર્મી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાકિસ્તાન આર્મીની ઈન્ટેલિજન્સ યુનિટ અને આઈએસઆઈ બંને તેમના પર નજર રાખીને બેઠાં છે. એ પછી દાઉદ વિશે કોઈ સમાચાર ના આવતાં આખી વાત ભૂલાઈ ગયેલી.
હવે પાછી દાઉદના મોતની વાતો ચગી છે ને તેમાં પણ સત્ય કેટલું એ સવાલ છે. પાકિસ્તાન તો દાઉદ પોતાને ત્યાં હોવાનું સ્વીકારતું જ નથી તેથી પાકિસ્તાન તો આ વાતને સમર્થન આપે એ વાતમાં માલ નથી. ભારત પાસે એવું ગુપ્તચર તંત્ર નથી કે દાઉદના સમાચાર લાવી શકે. ગુપ્તચર તંત્રમાં દમ હોત તો ૩૦ વર્ષથી દાઉદ પાકિસ્તાનમાં પડ્યો પાથર્યો જ ના રહી શક્યો હોત. પાકિસ્તાનમાં જ તેનો ઘડોલાડવો થઈ ગયો હોત પણ ભારતીય ગુપ્તચર તંત્ર પાસે દાઉદ ઈબ્રાહીમ હવે કેવો દેખાય છે તેની જ માહિતી નથી ત્યારે એ ગુજરી ગયો એ સમાચાર સાચા છે કે ખોટા એ વાતને સમર્થન આપે એવી આશા જ ના રખાય.
જો કે મહત્ત્વનો સવાલ એ છે કે, દાઉદ ગુજરી ગયો હોય તો પણ આપણને શું ફરક પડે છે? દાઉદ ગુજરી ગયો હોય તો સારું છે કેમ કે દાઉદ ભારત માટે મોસ્ટ વોન્ટેડ છે, ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં સામેલ છે ને ગુનાખોરીમાં પણ સામેલ છે. એ રીતે દાઉદ ભારતનો અપરાધી છે ને ભારત માટે એક અપરાધી ઓછો થાય એ સારું છે. એ રીતે ભારત એક પ્રકરણ પૂરું થયું કહેવાય પણ દાઉદ ગુજરી ના ગયો હોય તો પણ આપણને બહુ ફરક પડતો નથી કેમ કે એ જીવતો હોય તો પણ આપણે તેને પતાવી શકવાના નથી કે કશું બગાડી શકવાના નથી જ્યારે દાઉદ તો આપણું જે બગાડવાનું હતું એ વરસો પહેલાં જ બગાડી ચૂક્યો છે.
દાઉદ મામલે આપણે વરસોથી ફીફાં ખાંડીએ છીએ પણ આપણાથી કશું વળતું નથી. પાકિસ્તાન સાથે આપણે ડોઝીયર ડોઝીયર રમીએ છીએ પણ તેના કારણે દાઉદનું કશું બગાડી શકાતું નથી. પાકિસ્તાનને ડોઝીયર આપીએ પછી પાકિસ્તાન તેની ભૂંગળી કરીને માળિયે ભરાવી દે છે. આ ડોઝીયરમાં ક્યા પુરાવા છે તે જોવાની પણ પાકિસ્તાન તસદી લેતું નથી, હાથ ખંખેરીને એક જ જવાબ આપી દે છે કે, દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે જ નહીં ને ભારત ધરાર જૂઠાણાં ચલાવે છે.
આપણે પણ આ જવાબ સાંભળીને ચૂપ થઈને બેસી જઈએ છીએ. આ રમત વરસોથી ચાલે છે ને દાઉદ સહી સલામત પાકિસ્તાનમાં જીવ્યા કરે છે. એ ભારત વિરોધી જે કંઈ કરતો હશે એ કર્યા કરે છે ને આપણે તેને રોકી શકતા નથી. માનો કે, એ નહીં હોય તો પણ તેણે પાકિસ્તાનમાં અને ભારતમાં પણ તેનું તંત્ર ગોઠવેલું જ છે તેથી બધું એણ જ ચાલ્યા કરશે.
ભારત માટે જરૂરી દાઉદના ખાતમા કરતાં તેના નેટવર્કનો ખાતમો છે પણ એ કરવાની આપણી તાકાત નથી. જે દેશમાં સત્તામાં બેઠેલા લોકો જ દાઉદ સાથે મળેલા હોય એ દેશમાં દાઉદ જેવા ગુંડાને પણ ના મારી શકાય.