મિનિ બસની અડફેટે આવતા બોનેટ પર ચડી ગયો માણસ, તો ય બેફામ હંકાર્યે રાખી.. રાજધાની દિલ્હીની ઘટના
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ક્રાઇમનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દિલ્હીના ગુનેગારોને જાણે કાયદાની કોઇ બીક જ નથી રહી. તાજેતરમાં દિલ્હીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ મિનિ બસના બોનેટ પર ઘસડાઈ રહ્યો છે, અને બસચાલકને જાણ હોવા છતાં કે કોઇ બોનેટ પર લટકી રહ્યું છે, તેણે બેફામપણે બસ ભગાવ્યે રાખી.
સમગ્ર ઘટના અંગે દક્ષિણ દિલ્હી જિલ્લાના ડીસીપી ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે લાજપતનગર પાસેથી પોલીસને મોડી રાત્રે કોલ મળ્યો હતો, ફોન કરનારે જણાવ્યું હતું કે ડીએનડી ફ્લાયઓવરથી નોએડા તરફ જતા રસ્તે લાજપતનગર પાસે એક મિનિ બસે એક વ્યક્તિને ટક્કર મારી હતી.
બસની અડફેટે આવતા તે માણસ બોનેટ પર જ લટકી ગયો હતો, અને મિનિ બસચાલકને જાણ હોવા છતાં કે કોઇ વ્યક્તિ બોનેટ પર લટકેલું છે, તેણે મિનિ બસ અટકાવી પણ નહિ, જેને પગલે અનેક કિલોમીટર સુધી વ્યક્તિ બોનેટ પર લટકેલો રહ્યો હતો. થોડા કિલોમીટર સુધી વ્યક્તિ બોનેટ પર ચડેલો રહ્યો હતો અને તે પછી મિનિ બસચાલક તેને એક જગ્યાએ ઉતારી ફરાર થઇ ગયો હતો. જો કે આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિને કોઇ ઇજા પહોંચી નથી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે. પોલીસે ભોગ બનનાર વ્યક્તિને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવી તપાસ હાથ ધરી છે.