હવે ગુજરાતમાં થયો ઠંડીનો ચમકારોઃ તાપમાનનો પારો ગગડ્યો
ગુજરાતમાં નવેમ્બર મહિનો શરૂ થાય ત્યારથી ઠંડકનો અનુભવ થતો હોય છે, પરંતુ ડિસેમ્બરની 18મી તારીખ હોવા છતાં લોકો સ્વેટર કે શાલ સાથે નીકળતા નથી કારણ કે સવારે આઠ વાગ્યાની રાત્રે દસેક વાગ્યા સુધી ખાસ કોઈ ઠંડી અનુભવાતી જ નથી. રાજ્યમાં જ્યારે બેએક દિવસ માવઠાનું વાતાવરણ હતું ત્યારે ઠંડીનો ચમકારો થયો હતો તે બાદ વાતાવરણ સામાન્ય રહ્યું હતું અને બપોરના સમયે ગરમીનો અનુભવ પણ થતો હતો. ત્યારે હવે છેલ્લા 24 કલાકમાં લગભગ 6 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો હોવાનું હવામાન ખાતાના અહેવાલો જણાવી રહ્યા છે. જેમાં સવારે 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંદાયું હતું. સૌથી નીચુ તાપમાન નલિયાનું 11 ડિગ્રી પહોંચ્યું છે. કંડલા 14 ડિગ્રી, ભુજ 15 ડિગ્રી, ગાંધીનગર 11 ડિગ્રી સાથે અમદાવાદ અને ડિસામાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
રાજકોટમાં 13 ડિગ્રી અને અમરેલીમાં 15 ડિગ્રી તથા કેશોદ અને વડોદરામાં 15 ડિગ્રી, મહુવામાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં 16.6 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ શહેરમા શિયાળાનો પ્રારંભ થયા બાદ પહેલીવાર તાપમાનનો પારો ગગડીને 13.3 ડિગ્રી નોંધાયો છે. રાજ્યનાં કુલ 9 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઘટીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે.
હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગત મુજબ, અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયુ હતુ જે ઘટીને 13.3 ડિગ્રી નોંધાયુ છે. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં 16.6 ડિગ્રી નોંધાયુ હતુ જે ઘટીને 11.5 ડિગ્રી નોંધાયુ છે. ડીસામાં 15.4 ડિગ્રી નોંધાયુ હતુ જે ઘટીને 12.6 ડિગ્રી નોંધાયુ છે. નલિયામાં 14.3 ડિગ્રી નોંધાયુ હતુ જે ઘટીને 11 ડિગ્રી થઈ ગયું છે. આમ રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. જોકે આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડીનો વર્તારો થશે.