મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની ક્રિકેટમાં એન્ટ્રી
મુંબઈ: અભિનેતા અમિતાભ બચ્ચને સોમવારે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં મુંબઈની ટીમના માલિક બનવાની જાહેરાત કરી હતી. એક અખબારી યાદી અનુસાર, ISPL એ ભારતની પ્રથમ ટેનિસ બોલ T10 ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે સ્ટેડિયમની અંદર રમાશે.
દેશમાં આ પ્રકારની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન મુંબઈમાં 2 થી 9 માર્ચ દરમિયાન કરવામાં આવશે. ટૂર્નામેન્ટમાં 19 મેચો રમાશે. ISPLમાં છ ટીમો હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને શ્રીનગર છે. બચ્ચને (81) કહ્યું હતું કે આ લીગનો ભાગ બનવું એ તેમના માટે એક નવી શરૂઆત છે.
સુપરસ્ટાર બચ્ચને તેમના અંગત બ્લોગ પર લખ્યું હતું કે, ‘એક નવો દિવસ અને નવી નોકરી… મુંબઈ ટીમમાં માલિક તરીકે જોડાવું મારા માટે સન્માન અને વિશેષાધિકારની વાત છે.’ તેમણે ISPLને રોમાંચક અને સારું ફોર્મેટ ગણાવ્યું હતું. નોંધનીય છે કે અભિનેતા અક્ષય કુમાર અને હૃતિક રોશને પણ આ ઇવેન્ટમાં ટીમ ખરીદી છે. અભિનેતા અક્ષય કુમાર શ્રીનગરની ટીમના અને હૃતિક રોશન બેંગલુરુના ટીમ માલિક છે.
બચ્ચન પરિવારને પહેલાથી જ રમતગમતમાં રસ છે. અમિતાભનો પુત્ર અભિષેક બચ્ચન ફૂટબોલ ટીમ અને કબડ્ડી ટીમનો પણ માલિક છે. અભિષેક ઈન્ડિયન સુપર લીગ (ISL) ફ્રેન્ચાઈઝી ચેન્નાઈન એફસી અને પ્રો-કબડ્ડી લીગ ફ્રેન્ચાઈઝી જયપુર પિંક પેન્થર્સના માલિક છે. હવે અમિતાભ બચ્ચને ISPL માં ફ્રેન્ચાઇઝી ખરીદી છે.