ઇન્ટરનેશનલનેશનલ

લાખો રૂપિયા ખર્ચીને કેનેડા જતા બાળકો માટે ચોંકાવનારા સમાચાર, રિવર્સ ટ્રેન્ડ શરૂ

ઓટ્ટાવાઃ લાખો રૂપિયા ખર્ચીને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં રહેતા લોકોનો હવે તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય એવું લાગે છે. આ અમે નથી કહી રહ્યા પણ છેલ્લા છ મહિનાના રિવર્સ ઇમિગ્રેશનના આંકડા બોલી રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં લગભગ 42 હજાર લોકોએ ત્યાંનું PR છોડી દીધું છે.

ભારતીય વિદ્યાર્થીઓનું કેનેડા જઈને તેમની કારકિર્દી બનાવવાનું અને જીવનને સંવારવાનું સ્વપ્ન હવે ચકનાચૂર થતું જણાય છે. કેનેડાના મોટા શહેરોમાં ગુનેગારો અને ગેંગસ્ટરોના વધતા પ્રભાવને કારણે, 42 હજાર લોકોએ ત્યાંનું PR છોડી દીધું છે. કેનેડામાં વધતા જતા બેંક વ્યાજ દરો અને મકાનોની વધતી કિંમતોને કારણે પણ લોકો ત્યાંની નાગરિકતા છોડી રહ્યા છે. કેનેડામાં રહેણાંક મકાનોની સંખ્યા ઘણી ઓછી છે અને મકાનોના ભાડા ઝડપથી વધી રહ્યા છે. લોકોને તેમની આવકના 30 ટકા તો ઘરના ભાડામાં જ ચૂકવવા પડે છે. આ ઉપરાંત અગાઉ બેંક વ્યાજ દર વાર્ષિક 1.5 ટકા હતો જે આજે 7.5 ટકા પર પહોંચી ગયો છે. એટલું ઓછું હોય તેમ કેનેડામાં ટ્રુડો સરકારના શાસનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ ઘણા વધી ગયા છે.


આ વર્ષના પ્રથમ છ મહિનામાં 42 હજાર લોકોએ કેનેડાની તેમની કાયમી નાગરિકતા (PR) છોડી દીધી છે. જેમાં ભારતીય અને બિનભારતીય બંનેનો સમાવેશ થાય છે. 2022માં આ સંખ્યા 93,818 હતી. કેનેડા સરકારના ઈમિગ્રેશન વિભાગના ડેટા અનુસાર, અગાઉ 2021માં 85,927 લોકોએ કેનેડા છોડી દીધું હતું. જેમાં મોટી સંખ્યામાં પંજાબીઓ પણ છે. કેનેડામાં નાની નોકરી કરતા કામદારોને દર મહિને માત્ર 1900 ડોલર મળે છે, જેમાંથી તેમને ઓછામાં ઓછું 700 ડોલરનું ભાડું, 30 ટકા પગાર વેરો અને કાર વીમા સહિત અન્ય તમામ ખર્ચ કાઢવો પડે છે.


આ ઉપરાંત ખાલિસ્તાન સમર્થકો અને ગુંડાઓના વધતા જતા પ્રભાવથી પણ લોકો ખૂબ જ ચિંતિત છે. આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા, સુખા દુનાકેની હત્યા, ગિપ્પી ગ્રેવાલના ઘરે ગોળીબાર જેવી તાજેતરની ઘટનાઓએ ત્યાંનું વાતાવરણ વધુ ખરાબ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button