મનોરંજન

સુપરસ્ટાર રણબીર કપૂરે જમાવી ધાક

શાહરુખ-સનીની ફિલ્મ પહેલા 'એનિમલ' રૂ. 500 કરોડની ક્લબમાં પહોંચી

રણબીર કપૂરની ‘એનિમલ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી છે. પહેલી ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ હજુ પણ ઘણી કમાણી કરી રહી છે. પહેલા બે વીકએન્ડમાં શાનદાર કલેક્શન કર્યા પછી, રણબીરની ફિલ્મે ત્રીજા વીકએન્ડમાં પણ તેનું શાનદાર કલેક્શન ચાલુ રાખ્યું છે. હવે આ ફિલ્મે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

‘એનિમલ’ ફિલ્મે રણબીર કપૂરને સુપર સ્ટાર બનાવી દીધો છે. રણબીરનું નામ પણ એવા સ્ટારોની યાદીમાં સામેલ છે જેમણે પહેલા જ દિવસથી રેકોર્ડબ્રેક કમાણી સાથે બોક્સ ઓફિસ પર શરૂઆત કરી હતી. સંદીપ રેડ્ડી વાંગા અને રણબીર કપૂરનું કોમ્બિનેશન બૉક્સ ઑફિસ માટે ઘણું લાભદાયક પુરવાર થયું છે. ત્રીજા વીક-એન્ડમાં પણ આ ફિલ્મ થિયેટરોમાં ધમધમાટ ચાલી રહી છે અને એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે.


ફિલ્મે પહેલા બે વીકએન્ડમાં જબરદસ્ત કમાણી કરી હતી અને હવે રવિવારના ટ્રેડ રિપોર્ટ્સ કહી રહ્યા છે કે ‘એનિમલ’ ત્રીજા સપ્તાહના અંતે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. 17મા દિવસે પણ ‘એનિમલ’ ના શોને મોટુ ઓડિયન્સ મળ્યું હતું. ટ્રેડ રિપોર્ટ્સ સૂચવે છે કે શનિવારે 12.8 કરોડના ચોખ્ખા કલેક્શન પછી, રવિવારે પણ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી. રણબીરની ફિલ્મે તેના ત્રીજા રવિવારે બોક્સ ઓફિસ પર 15-16 કરોડ રૂપિયાની રેન્જમાં કલેક્શન કર્યું છે. શુક્રવારે, ફિલ્મે 8.3 કરોડની કમાણી કરીને નવા વીકએન્ડની શરૂઆત કરી હતી.


ત્રીજા સપ્તાહમાં ‘એનિમલ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર 36-37 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજા સપ્તાહના અંતે કમાણી કરાયેલ રૂ. 93.6 કરોડની સરખામણીએ, ત્રીજા સપ્તાહના અંતે ઘટાડો માત્ર 60% જેટલો છે.


શનિવાર સુધીમાં, તેણે ભારતમાં લગભગ 497 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે રવિવારની કમાણી સાથે ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂ. 512 કરોડને પાર કરી ગયું છે. આ સાથે રણબીરના કરિયરની આ પહેલી ફિલ્મ બની છે જેણે 500 કરોડનો બિઝનેસ કર્યો છે. 


રણબીરની આ ફિલ્મે માત્ર રૂ. 500 કરોડનો જંગી આંકડો જ પાર નથી કર્યો, પણ ઘણી ઝડપે 500 કરોડનો માર્ક પાર કરી લીધો છે. 500 કરોડ રૂપિયાનો આંક પાર કરવાવાળી તે બીજી સૌથી ઝડપી ફિલ્મ બની છે. રણબીરની એનિમલે 17 દિવસમાં 500 કરોડ રૂપિયાનો આંક પાર કર્યો હતો. આ પહેલા શાહરૂખ ખાનની પઠાણે 22 દિવસમાં 500 કરોડ રૂપિયાનો આંક પાર કર્યો હતો. ગદર ફિલ્મને 500 કરોડ રૂપિયાનો આંક પાર કરતા 24 દિવસનો સમય લાગ્યો હતો. આ મામલે સૌથી ઝડપી ફિલ્મ શાહરૂખ ખાનની ‘જવાન’ છે. જેણે 13 દિવસમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 


રણબીર લાંબા સમયથી બોલિવૂડમાં સુપરસ્ટારનો દરજ્જો મેળવવાનો દાવો કરી રહ્યો હતો, હવે ‘એનિમલ’ ફિલ્મે તેના સુપરસ્ટાર સ્ટેટસની પુષ્ટિ કરી છે. ‘એનિમલ’ ફિલ્મે ઝડપી કમાણી તો કરી જ છે અને સાથે સાથે શાહરૂખ ખાનની ફિલ્મની 500 કરોડની કલબમાં પહોંચવા અસંભવ લાગતી સ્પીડને પણ મેચ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button