નેશનલ

એક દાદાએ પોતાના પૌત્રના મૃતદેહને ખભે ઉપાડી ને કહ્યું કે જો મજૂરીના પૈસા મળી ગયા હોત તો….

લખનઉ: યુપીના કૌશામ્બી જિલ્લામાં માણસાઇ મરી પરવારી એક ભઠ્ઠા મજૂર પોતાના પૌત્રની લાશને ખભા પર ઉઠાવીને ન્યાયની ભીખ માંગવા પોલીસ ચોકી પહોંચ્યો હતો, જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. મજૂરે એવો આરોપ લગાવ્યો હતો કે ભઠ્ઠા માલિકે મજૂરના પૈસા સમયસર ચૂકવ્યા ન હતા જેના કારણે તે તેના પૌત્રની સારવાર ના કરાવી શક્યો અને તેનું મૃત્યુ થયું હતું. જો કે બાદ ચોકીના ઈન્ચાર્જે ભઠ્ઠા માલિક પાસેથી તેની મજૂરીના પૈસા અપાવ્યા હતા.

આ ઘટના પિપરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઘુરી ડિહા ગામમાં બની હતી. બિહારના ગયાનો રહેવાસી શામબલી તેના પરિવાર સાથે ઈંટના ભઠ્ઠામાં મજૂરીનું કામ કરતો હતો. ત્યારે 16 ડિસેમ્બરે અચાનક ઠંડીના કારણે તેના છ વર્ષના પૌત્ર રોહિતની તબિયત અચાનક બગડી ગઈ હતી. શામબલી તેના પૌત્રની સારવાર માટે વારંવાર પૈસાની માંગણી કરતી રહી. પણ ભઠ્ઠા માલિક લહેજ પણ પીગળ્યો નહોતો.


શામબલીએ જણાવ્યું હતું કે ભઠ્ઠા માલિકે કહ્યું કે તેનો પૌત્ર એમજ સાજો થઈ જશે. પરંતુ થોડા સમય બાદ રોહિતની તબિયત વધુ લથડી હતી. સારવારના અભાવે રોહિતનું થોડી જ વારમાં મોત થયું હતું. આનાથી ગુસ્સે ભરાયેલા શામબલીએ માસૂમ રોહિતની લાશને પોતાના ખભા પર ઉઠાવી પોલીસ ચોકીમાં જઈને ન્યાયની માંગણી કરી હતી. તેની પાસે એટલા પણ પૈસા ન હતા કે તે માસૂમ બાળકના મૃતદેહને સન્માન સાથે તેના ગામ પરત લઈ જઈ શકે.


જોકે બાદમાં પોલીસની દરમિયાનગીરી બાદ ભઠ્ઠા માલિકે મજૂરને પૈસા પરત કર્યા હતા. ત્યારબાદ શામબલી માસૂમ બાળકના મૃતદેહને બિહારના ગયામાં તેના ગામ લઈ ગયો હતો. ભઠ્ઠા માલિક પર લગાવવામાં આવી રહેલા આરોપો અંગે માસૂમ બાળકના પિતાએ કહ્યું હતું કે ભઠ્ઠા માલિક સાથે તેમનો કોઈ વિવાદ નથી પરંતુ જો તેમને સમયસર પૈસા આપ્યા હોત તો અમારું બાળક અમારી વચ્ચે હોત. બંને પક્ષોએ પિપરી પોલીસ સ્ટેશનમાં સમાધાન કરાર પણ લખાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button