કબૂતરોને ચણ નાંખતા હો ભરવો પડશે દંડ, જાણી લેજો પાલિકાનો નિયમ!

મુંબઇ: કબૂતરોના મળ અને પીંછામાંથી નીકળનારા ઘટકો આરોગ્ય માટે હાનિકારક હોવાના સંકેત હેલ્થ એક્સપર્ટે આપ્યા છે. આ વાતને ધ્યાનમાં લઇ મુંબઇગરાના સારા આરોગ્ય માટે હવે કૂબતરોને ચણ નાંખનારાઓ પર ક્લિનઅપ માર્શલની ચાંપતી નજર હશે. જો ચણ નાંખતા ઝડપાયા તો 500 રુપિયાનો દંડ ભરવો પડશે.
મુંબઇમાં ભુલેશ્વર, દાદર, માહીમ, ફોર્ટ, માટુંગા વેગેર વિસ્તારોમાં ઘણાં વર્ષોથી કબૂતરખાના છે. આ સિવાય મુંબઇમાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનેક સ્થળોએ ગેરકાયદે ચણા, ઘઉં, દાળ જેવા ખાદ્ય પદાર્થો કબૂતરોને નાંખવામાં આવે છે. મુંબઇમાં ઠેરઠેર કબૂતરખાનાઓમાં, સોસાયટીમાં અને કરિયાણાની દુકાન બહાર મોટા પ્રમાણમાં કબૂતરો દેખાય છે. કબૂતરોના મળમાંથી નિકળનાર એસ્પરજેલિસ નામનો ઘટક ઝેરી હોવાનું હેલ્થ એક્સપર્ટ જણાવી રહ્યાં છે. આ ઘટક હવામાંથી શ્વાસ મારફતે ફેંફસામાં જતાં આરોગ્યને નૂકસાન થવાની શક્યતાઓ હોવાનો ડર વ્યક્ત કરવામાં આવ્યો છે.
કબૂતરોને કારણે થનારી બિમારીઓ રોકવા માટે મુંબઇ મહાનગર પાલિકાએ કમર કસી લીધી છે. કબૂતરોને ચણ નાંખનારાઓ સામે પાલિકાને વર્ષોથી ફરિયાદો મળી રહી છે. જોકે અત્યાર સુધી આ ફરિયાદો પર કોઇ કાર્યવાહી થઇ નહતી. જોકે હવે પછી કબૂતકરો માટે ખાદ્ય પદાર્થ નાંખવા પર કડક કાર્યવાહીનો નિર્ણય લીધો હોવાથી પાલિકાના તમામ વોર્ડમાં ક્લિનઅપ માર્શલ ફરતાં જોવા મળશે. જો કોઇ વ્યક્તી કબૂતરોને દાણા ખવડાવતા દેખાશે તો તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે.
કબૂતરના મળને કારણે સૌથી વધુ તકલીફ જે લોકોને શ્વાસને લગતી બિમારી છે એમને થાય છે. ઉપરાંત કબૂતરની પાંખોમાંથી નિકળતી ધૂળ, પાંખો અને દુર્ગંધને કારણે એ વિસ્તારમાં પ્રદૂષણ પણ વધે છે. આ વાતની દરકાર લઇને પાલિકાએ હવે કબૂતરોને ચણ નાંખનાર પર કાર્યવાહીનો આદેશ આપ્યો છે.