મહારાષ્ટ્ર ભાજપના સાંસદો અને ધારાસભ્યો આ કારણ છે ચિંતામાં?
નાગપુરઃ આવતા વર્ષે એપ્રિલ-મે આસપાસ લોકસભાની ચૂંટણી આવશે ને તેનાં ત્રણ-ચાર મહિનાઓ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવશે. 2019 બાદ મહારાષ્ટ્રમાં જોવા મળેલી રાજકીય ઉથલપાથલ બાદ બન્ને ચૂંટણીઓ રસપ્રદ બની રહેશે અને તમામ પક્ષ માટે કરો યા મરોનો જંગ સાબિત થશે ત્યારે લોકસભાની તૈયારીઓ જોરશોરથી કરી રહેલી ભાજપના સાંસદો અને વિધાનસભ્યો ચિંતામાં હોવાનું અહેવાલ જણાવે છે.
હાલમાં વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. નાગપુરમાં ભાજપના તમામ પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કામ પર ધ્યાન આપવા અને લક્ષ્યો પૂરા કરવાની તાકીદ કરવામાં આવી હતી. ત્રણ રાજ્યોની ચૂંટણીઓ (ચૂંટણી 2024)માં મળેલી જીત અને તેમાં લાવવામાં આવેલા ફેરફારોએ ભાજપના નેતાઓને મોટો સંદેશ આપ્યો છે. ત્રણેય રાજ્યમાં મુખ્ય પ્રધાન માટે પણ નવા ચહેરા લાવવામાં આવ્યા છે. ત્યારે ભાજપમાં રાજકીય રીતે કોઈ સુરક્ષિત નથી અને મને નોમિનેશન મળશે એવું કોઈ પણ વિશ્વાસપૂર્વક કહી શકે નહીં. આ ડર હવે તમામ ધારાસભ્યો-ખાસદારો અનુભવે છે, તેમ ચર્ચાઈ રહ્યું છે. મને આવતી લોકસભાની ટિકિટ મળશે કે નહીં, કે પછી અજિત પવાર કે એકનાથ શિંદે જૂથના ભાગે મારી બેઠક જાશે વગેરે જેવા સવાલો છે જેના હાલમાં આ પ્રતિનિધિઓ પાસે પણ કોઈ જવાબ નથી.
આ બેઠક બાદ જે કંઈ ચિત્ર ઉપસી આવ્યું તે જોતા એક તો કામકાજનો રિપોર્ટ જોવામાં આવશે અને પક્ષશ્રેષ્ઠી કે પસંદગી કરનારાઓની નજરે ક્યા સમીકરણો કામ કરશે તે જોવામાં આવશે. આ વાત જાણી ઘણાને ચિંતા થઈ છે.
ભાજપના ટિકિટ ઈચ્છુકો તૈયારી કરી રહ્યા છે. તેઓ બૂથ પ્રમુખથી માંડી દરેક વાતોનો ખ્યાલ રાખી રહ્યા છે. આ બેઠકમાં આ ઉપરાંત લોકો સુધી સરકારની યોજનાઓ બરાબર પહોંચે છે કે નહીં તેનો ખ્યાલ રાખવા તેમ જ રામ મંદિરના મહોત્સવની તૈયારીઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પક્ષ કક્ષાએ આપેલા અનેક સૂચનો લોકપ્રતિનિધિઓ અને પક્ષના હોદ્દેદારો દ્વારા સમજવામાં આવ્યા હતા. પણ આ બધું કર્યા પછી પણ ટિકિટ ન મળે તો? આ ચિંતા ઘણાને પરેશાન કરી રહી છે. આ પ્રશ્ન હવે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને સતાવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી ભાજપએ ટિકિટ આપવાની પેટર્નમાં ફરેફાર કર્યો છે. નવા ચહેરાને તક આપવાની પક્ષની નિતિ રહી છે અને ખૂબ જાણીતા કે મોટા હોદ્દા પર રહી ચૂકેલાને પણ ટિકિટ ન મળી હોય તેવા ઘણા ઉદાહરણો છે. આ વચ્ચે છેલ્લા પાંચેક વર્ષથી કામ કર્યા બાદ પણ આવતા પાંચ વર્ષ માટેનું લાયસન્સ મળશે કે કેમ તે સૌ માટે પ્રશ્ન જ છે.