ભોપાલ: મધ્યપ્રદેશના શ્યોપુરમાં આવેલા કુનો નેશનલ પાર્કમાં તમને હવે આફ્રિકન ચિત્તા જોવા મળશે. કારણ કે 17 ડિસેમ્બરના રોજ અગ્નિ અને વાયુ નામના બે ચિત્તાઓને પારોંદના જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા. પારોંદ જંગલના આહેરા ગેટથી પ્રવેશતા પ્રવાસીઓને આ ચિત્તાઓ જોવા મળશે. હાલમાં આ બંને ચિત્તાઓ એકદમ સ્વસ્થ છે. આ ઉપરાંત બંને ચિત્તાઓના ટ્રેકિંગ માટે ચિત્તા મોનિટરિંગ ટીમ અને ફોરેસ્ટ ઈન્સ્પેક્ટરની મોબાઈલ ટીમને પણ સક્રિય કરવામાં આવી છે. તેમજ ચિત્તાના ગળામાં રેડિયો એક્ટિવ કોલર આઈડી ફીટ કરવામાં આવ્યું છે. જેના દ્વારા ચિત્તાઓનું લોકેશન જાણી શકાશે અને તેમની દરેક હિલચાલ પર નજર રાખી શકાશે.
નોંધનીય છે કે 17 સપ્ટેમ્બર 2022ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મ દિન નિમિત્તે દેશને ચિતા રિસ્ટોરેશન પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. તે સમયે ભારતને નામિબિયા અને દક્ષિણ આફ્રિકામાંથી એમ કુલ ચિત્તાઓને લાવવામાં આવ્યા હતા. જો કે આ પ્રોજેક્ટ દરમિયાન છ પુખ્ત વયના અને ત્રણ બચ્ચાઓ રોગને કારણે મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેમ છતાં આ પ્રોજેક્ટને ચાલુ રાખવામાં આવ્યો હતો. અગાઉ ઘણી વાર એવી ઘટનાઓ પણ બની કે ગળામાં પહેરેલ કોલર આઈડી અને અન્ય કારણોસર ચેપ લાગવાથી ચિત્તાઓ બીમાર થવા લાગ્યા હતા આથી ચિત્તાઓને 15 જુલાઇથી 13 ઓગસ્ટ સુધીમાં ખુલ્લા વિસ્તારમાં છોડવાની કવાયત શરૂ કરવામાં આવી તેમજ તેમના ગળામાં જે કોલર આઈડી લગાવવામાં આવ્યા હતા તેમાં કેટલાક અંશે ફેરફાર કરવામાં આવ્યા તેમજ તમામ ચિત્તાઓને એક મોટા વિસ્તારમાં લાવીને પશુચિકિત્સકો અને ચિત્તા નિષ્ણાતોની ટીમ દ્વારા નજીકથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે સાડા ચાર મહિના બાદ 14 દીપડા અને એક બચ્ચાને નક્કી કરાયેલા વિસ્તારમાં રાખવામાં આવ્યા છે જ્યારે બે નર દીપડાને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવ્યા છે. ચિત્તા સંચાલન સમિતિ એ જણાવ્યું હતું કે બંને ચિત્તાઓને રવિવારે સીસીએફ અને વરિષ્ઠ વન અધિકારીઓની હાજરીમાં પારોંદ જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા. પારોંદ જંગલ વિસ્તાર નેશનલ પાર્કના આહેરા ગેટ હેઠળ આવે છે. આથી અહી આવતા પ્રવાસીઓ ચિત્તાને જોવાની મજા માણી શકશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને