હજુ કેટલાંયને સીધા કરી શકુ તેમ છુંઃ શરદ પવારે આમ કેમ કહ્યું
પુણેઃ NCPના વડા શરદ પવારે પૂણેના હવેલી તાલુકામાં ચારકોલી ખાતે બળદગાડાની સ્પર્ધાના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા હતા. આ સંબોધનમાં તેમણે કરેલી વાત કોને લાગુ પડે છે તે ખબર નથી, પણ પવારે ફરી હુંકાર કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે રવિવારે કહ્યું કે હું હજુ વૃદ્ધ થયો નથી, ઘણાને સીધા કરવાની તાકાત મારમાં છે. પવારે પૂણેના હવેલી તહસીલના ચારકોલી ખાતે બળદગાડાની રેસના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી. શરદ પવારે પોતાના પક્ષના લોકોને કહ્યું કે મારી તમારી સામે ફરિયાદ છે. તમે બધા તમારા ભાષણોમાં ભાર આપતા રહો છો કે હું 83 વર્ષનો છું, હું 84 વર્ષનો છું. તમને શું લાગે છે. હું વૃદ્ધ થયો નથી. મારી પાસે કેટલાક લોકોને સીધા કરવાની આજેય શક્તિ છે. કૃપા કરીને ચિંતા કરશો નહીં, તેમ પણ તેમણે કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈ મહિનામાં રોજ અજિત પવાર અને આઠ ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા પછી શરદ પવારની આગેવાની હેઠળની NCP માં ભંગાણ પડ્યું હતું. મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા પછી તરત જ, અજિત પવારે કહ્યું હતું કે તેમના કાકા વૃદ્ધ થઈ ગયા છે. હવે કાકા શરદ પવારનો આ ટોણો ભત્રીજાને હતો કે કોને ખબર નહીં, પરંતુ રાજકારણમાં પાવરધા એવા શરદ પવાર હજુ આટલા જોશ સાથે કામ કરે છે તે નોંધનીય છે.