દિગ્ગજ અભિનેત્રીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયાં
મુંબઈઃ બોલીવૂડનાં પીઢ અભિનેત્રી તનુજાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૮૦ વર્ષના તનુજાની રવિવારે સાંજે વૃદ્ધાવસ્થામાં સંબંધિત સમસ્યાને કારણે તેમને મુંબઈની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલના તબક્કે હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે, જ્યારે તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામા આવ્યા છે, એમ પરિવારના નજીકના વર્તુળે જણાવ્યું હતું. તનુજાની તબિયત ઝડપથી સારી થઈ જાય તેના માટે ચાહકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.
80 વર્ષના અભિનેત્રીને જુહુની એક હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ચિંતાની કોઈ વાત નથી, એમ પણ જણાવાયું છે. ફિલ્મી દુનિયામાં તનુજાનું નામ જ કાફી છે. તેમણે અનેક હિંદી, બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. શોભના સમર્થ અને નિર્માતા કુમારસેન સમર્થની દીકરી છે, જ્યારે તેઓ નૂતનના બહેન અને અભિનેત્રી કાજોલની મમ્મી છે.
તનુજાનો જન્મ 23 સપ્ટેમ્બર, 1943ના થયો હતો. જોકે, નાની ઉંમરથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. 16 વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ છબીલી (1960)માં કામ કર્યું હતું, ત્યારબાદ 1962માં મેમ દીદીમાં જોવા મળી હતી. આ ઉપરાંત, બહારે ફિર ભી આયેંગી, જવેલ થીફ, હાથી મેરે સાથી અને મેરે જીવન સાથી જેવી અનેક લોકપ્રિય સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.