કલમ 370 પર સુપ્રીમના નિર્ણય અંગે મહેબૂબાએ કરી ટિપ્પણી, ‘આ અલ્લાહનો ફેંસલો નથી’
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘આ અલ્લાહનો ફેંસલો નથી.’
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. આ મુદ્દે અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. જો કે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે, અલ્લાહનો નિર્ણય નથી. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને ‘આશા ન છોડવા’ પણ વિનંતી કરી છે. મહેબૂબાએ જણાવ્યું હતું કે તેઓ લડાઇ ચાલુ રાખશે.
11 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી 22 અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચે તેના નિર્ણયમાં કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે અને રાષ્ટ્રપતિ પાસે તેને રદ્દ કરવાની સત્તા છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે જમ્મુ-કાશ્મીરને શક્ય એટલુ ઝડપથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવે અને રાજ્યમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજવામાં આવે.
કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે અને તેના નિર્ણય સાથે આ ચર્ચાનો અંત આવ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ અંતિમ નિર્ણય છે અને અમે તેના પર પુનર્વિચાર કરીશું નહીં.
જો કે કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સાથે અસહમતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમણે ક્યારેય કલમ 370ને પુનઃસ્થાપિત કરવાની વાત નથી કરી, પરંતુ તેને હટાવવાની પદ્ધતિનો વિરોધ કર્યો છે.