નેશનલ

I.N.D.I.A ગઠબંધનમાં મુશ્કેલીના એંધાણ, પંજાબમાં કેજરીવાલે 13માંથી 13 સીટ માગી

ચંદીગઢઃ દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ ગઈ છે. પરિણામ પણ આવી ગયા છે. હિન્દી બેલ્ટના ત્રણેય રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપે બમ્પર જીત મેળવી છે. આ જીતથી વિપક્ષી પાર્ટીઓ માટે ગભરાટની સ્થિતિ સર્જાઇ છે. તમામ વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયા એલાયન્સના બેનર હેઠળ એકતા બતાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જ્યારે તે જ પાર્ટીઓ ચૂંટણી સભાઓમાં અને લોકો વચ્ચે પહોંચે છે ત્યારે માહોલ કંઇક એવો હોય છે કે આ ગઠબંધન ક્યારેક એક્તા બતાવી શકશે કે કેમ એવો સવાલ થાય છે. આવું જ કંઈક રવિવારે પંજાબમાં જોવા મળ્યું હતું.

હવે ઈન્ડિયા એલાયન્સની એક મહત્વપૂર્ણ બેઠક 19મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે અને તેના પહેલા જ અરવિંદ કેજરીવાલે પંજાબની લોકસભાની 13માંથી 13 બેઠકો પોતાના પક્ષ માટે માંગી છે. સીએમ કેજરીવાલના આ નિવેદન બાદ પંજાબમાં સીટ વહેંચણી કેવી રીતે થશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં પંજાબમાં સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી શકે તેવી આશંકા છે.


સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન રવિવારે ભટિંડા પહોંચ્યા હતા. અહીં એક જનસભામાં સંબોધન દરમિયાન કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પંજાબનું કામ રોકવાનો આરોપ લગાવ્યો હતો અને બીજી તરફ ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. પંજાબના ભટિંડામાં જનસભા દરમિયાન પોતાના સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે લોકસભાની ચૂંટણી માટે લોકો પાસે વોટ માંગ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, ‘પંજાબ શહીદોની ભૂમિ છે. આજ સુધી કોઈ સરકારે શહીદના પરિવારની કાળજી લીધી નથી. શહીદના પરિવારની કાળજી લેવાવળી સરકાર પહેલીવાર આવી છે. આજે જો કોઈ સૈનિક કે પોલીસ જવાન શહીદ થાય છે તો ભગવંત માન તેના પરિવારને 1 કરોડ રૂપિયાનું માનદ વેતન આપે છે. તાજેતરમાં, એક અગ્નિવીર અમૃતપાલ શહીદ થયો હતો અને કેન્દ્ર સરકારે તેના પરિવારની કોઈ કાળજી લીધી ન હતી કે તેમને કોઈ સન્માન આપ્યું ન હતું, જ્યારે મુખ્ય પ્રધાન ભગવંત માને તેમના પરિવારને 1 કરોડ રૂપિયાનું માનદ વેતન આપ્યું હતું.


કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે પંજાબ સરકાર ભટિંડા માટે 1125 કરોડ રૂપિયાનું પેકેજ લાવી છે. પંજાબના 75 વર્ષના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષની સરકારે ભટિંડા માટે આટલા મોટા પેકેજની જાહેરાત કરી નથી. આ પેકેજ સાથે ભટિંડામાં 7 નવી સરકારી શાળાઓ, ઘણી હોસ્પિટલો, 13 નવા મહોલ્લા ક્લિનિક્સ, ઓવરબ્રિજ, રસ્તા, ગટર, પાણી અને એક નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે.


તેમણે કહ્યું, ‘હું તમને પડકાર આપું છું કે મને જણાવો કે છેલ્લા 75 વર્ષમાં ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળે શું કામ કર્યું છે? આજે પંજાબમાં 24 કલાક વીજળી છે અને વીજળીનું બિલ પણ શૂન્ય છે. એક પત્રકારે સવાલ પૂછ્યો હતો કે તમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે. કેપ્ટન સાહેબ અને બાદલ સાહેબ કહેતા હતા કે પંજાબ સરકાર ખોટમાં ચાલી રહી છે, તો આમ આદમી પાર્ટીના લોકો પાસે પૈસા ક્યાંથી આવે છે. આના જવાબમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે તેમના હિસાબ જોવાનું શરૂ કર્યું, તેઓએ એટલો ભ્રષ્ટાચાર કર્યો કે તેઓ રૂ.10નું કામ રૂ.100માં કરાવતા હતા જ્યારે આમ આદમી પાર્ટી રૂ.10નું કામ રૂ.8માં કરાવે છે. અમે જોયું કે વ્યર્થ ખર્ચ કરવામાં આવ્યો હતો, કાગળ પર ઘણી વખત રોડ બનાવવામાં આવ્યો હતો અને હકીકતમાં રોડ ક્યારેય બન્યો નથી.
કેજરીવાલે જણાવ્યું હતું કે, ‘પંજાબમાં અત્યાર સુધીમાં 42000 લોકોને સરકારી નોકરી મળી છે. શું અકાલી અને કોંગ્રેસની સરકારમાં પૈસા અને ભલામણ વગર કોઇને નોકરી મળી હોય એવો ખ્યાલ છે? આજે લોકોને પૈસા અને ભલામણ વગર નોકરી મળી રહી છે. દિલ્હીનું કામ જોઈને તમે અમને પંજાબમા વોટ આપ્યો. હવે આ બધા પક્ષના લોકો દુઃખી થઈ ગયા છે, તેઓને લાગે છે કે તેઓએ તેમની કાયમી નોકરી ગુમાવી દીધી છે અને કોઈ તેમને ફરીથી મત આપશે નહીં. દિલ્હીમાં પહેલીવાર લોકોએ 70માંથી 28 સીટો આપી, બીજી વખત 67 સીટો આપી અને ત્રીજી વખત 62 સીટો આપી. પંજાબમાં આ વખતે લોકોએ 117માંથી 92 સીટો આપી છે. મારું દિલ કહે છે કે આગામી વખતે 117માંથી 110થી વધુ સીટો આમ આદમી પાર્ટીને જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button