આ કારણે કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીને જામીન આપવાની કોર્ટે કરી મનાઈ
મુંબઈ: આ વર્ષના જુલાઈ મહિનામાં જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ગોળીબાર કરી પોતાના એક વરિષ્ઠ અધિકારી સહિત ત્રણ પ્રવાસીને ઠાર મારનાર રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીને જામીન આપવાની અરજીને અદાલતે નકારી કાઢી હતી.
મહારાષ્ટ્રના અકોલાની એક જેલમાં સજા ભોગવી રહેલા ચૌધરીને ગઈકાલે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. આરોપી ચેતન સિંહ ચૌધરીએ ગયા મહિને તેના બે વકીલ મારફત અદાલતમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ચેતનસિંહ ચૌધરી તેના કરેલા ગુનાના ભયથી પીડાઈ રહ્યો છે અને અનેક વખત તે વિચિત્ર હરકતો પણ કરે છે.
ચેતન સિંહની આ અરજીનો તપાસ કરી રહેલા જીઆરપી પોલીસે વિરોધ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ચેતન સિંહને એક અમુક સમુદાય પ્રત્યે ગુસ્સો હતો અને તેને આ કરેલા કૃત્યનો કોઈ પસ્તાવો પણ જણાતો નથી. જો તેને જામીન આપવામાં આવશે તો ન્યાય વ્યવસ્થાને આંચકો લાગશે અને ખાસ સમુદાયના લોકોમાં ભય નિર્માણ થશે. ટ્રેનમાં થયેલા ગોળીબારમાં મૃત્યુ પામેલા અસગર શેખની પત્નીએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ આતંકવાદી માનસિકતા ધરાવે છે જો તેને જામીન આપવામાં આવશે તો તે દેશની સુરક્ષા માટે પણ જોખમ ઊભું કરશે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક 31 જુલાઈના રોજ જયપુર-મુંબઈ સેન્ટ્રલ ટ્રેનમાં ચેતન સિંહ ચૌધરી નામના પોલીસ અધિકારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયાં હતાં. ચૌધરીએ બી-5 કોચમાં પોતાની ઓટોમેટિક રાઈફલથી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લોકો પર ગોળીઓ ચલાવી હતી.
આ ઘટના બાદ એક મુસાફરે ટ્રેનની ચેન ખેંચી ટ્રેનને ઊભી કરવી હતી. ગોળીબાર કર્યા બાદ ચૌધરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો પણ પ્રવાસીઓએ તેને પકડી લીધો હતો. ત્યારબાદ આ મામલે ઓક્ટોબરમાં ચૌધરી સામે ફરિયાદ નોંધાતા વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.