સ્પોર્ટસ

ભારત સામે કેમ પિંક જર્સી પહેરીને રમવા ઉતરી દ. આફ્રિકાની ટીમ?

ભારતીય ટીમ હાલમાં દ. આફ્રિકાના પ્રવાસે છે. ભારતીય ટીમ અહીં ત્રણ વન-ડે, 3 ટી-20 અને બે ટેસ્ટ મેચ રમવાનું છે. ભારત અને દ. આફ્રિકા વચ્ચે આજે પહેલી વન-ડે મેચ રમાઇ રહી છે. . દ. આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું, પણ દ. આફ્રિકાના પ્લેયરો જ્યારે બેટિંગ કરવા પીચ પર આવ્યા ત્યારે તેમની રેગ્યુલર લીલી-પીળી જર્સીને બદલે પિંક કલરની જર્સી પહેરેલા જોવા મળ્યા હતા.

હકીકતમાં પહેલી વન-ડે રમતા પહેલા દ. આફ્રિકાના ક્રિકેટ બૉર્ડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભારત સામેની પ્રથમ વન-ડે ઇન્ટરનેશનલ મેચમાં દ. આફ્રિકાની ટીમ તેની પરંપરાગત ગ્રીન જર્સીમાં નહીં, પણ ગુલાબી જર્સીમાં રમતી જોવા મળશે. બૉર્ડે આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. જોકે, ટીમ આવું પહેલી વાર નથી કરી રહી. ઘણી વખત ટીમ ગુલાબી જર્સીમાં જોવા મળી છે.


હકીકતમાં દ. આફ્રિકાની ટીમ પિંક જર્સી પહેરીને સ્તન કેન્સર વિશે જાગૃતિ, શિક્ષણ, માન્યતા અને સંશોધન માટે પોતાનું સમર્થન વ્યક્ત કરે છે. આજની વન-ડે દરમિયાન માત્ર ખેલાડીઓની જર્સી જ નહીં, પણ આખુ મેદાન પિંક રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. નાની-મોટી દરેક વસ્તુ ગુલાબી રંગની રાખવામાં આવી હતી. ચાહકો પણ ગુલાબી કપડા, કેપ પહેરીને મેચની મજા માણવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. આ મેચમાંથી એકત્રથયેલા બધા પૈસા બ્રેસ્ટ કેન્સર ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવશે.


મેચ શરૂ થતા પહેલા ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવતા પ્રશંસકોને પિંક શર્ટ પહેરીને અને ટિકિટ ખરીદીને આ અભિયાનનો ભાગ બનવાની વિનંતી કરી હતી. દ. આફ્રિકાના ક્રિકેટ બૉર્ડે એમ પણ જણાવ્યું હતું કે ક્રિકેટ ચાહકોમાં સ્તન કેન્સર વિશે ફરી એક વાર જાગૃતિ લાવવાનો અમને આનંદ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button