સરકારમાં મુસ્લિમોની ભાગીદારી ઘટી, પહેલીવાર કેન્દ્ર અને 15 રાજ્યોમાં મુસ્લિમ પ્રધાન નથી
નવી દિલ્હી: ભાજપ ‘સબકા સાથ, સબકા વિકાસ’ના વાયદા સાથે કેન્દ્ર અને રાજ્યોમાં સત્તા પર આવી અને અન્ય પક્ષો પણ સમાન તકોના વાયદા કરતા રહે છે. પરંતુ સરકારમાં મુસ્લિમોની ભાગીદારીના આંકડા કંઇક અલગ જ પરિસ્થિતિ દર્શાવે છે. પહેલીવાર એવું બન્યું છે કે કેન્દ્ર સહિત 15 રાજ્યોની સરકારમાં એક પણ મુસ્લિમ પ્રધાન નહીં હોય. નોંધનીય છે દેશમાં મુસ્લિમોની વસ્તી લગભગ 14 ટકા છે, જે હિંદુઓ પછી સૌથી વધુ છે.
5 રાજ્યોમાં તાજેતરની ચૂંટણીઓ બાદ સરકારની રચનાની પ્રક્રિયામાં મુસ્લિમોની ભાગીદારી હોય એવી શક્યતા જણાતી નથી. કોંગ્રેસ શાસિત તેલંગાણામાં કેબિનેટનું વિસ્તરણ થયું છે, પરંતુ એક પણ મુસ્લિમ વ્યક્તિને પ્રધાન પદ મળ્યું નહીં. ભાજપ શાસિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુસ્લિમ વ્યક્તિના પ્રધાન બનવાની શક્યતા શૂન્ય છે. કારણ કે, ત્રણેય રાજ્યોમાં એક પણ મુસ્લિમ વિધાનસભ્ય બીજેપી તરફથી જીતીને ગૃહમાં પહોંચ્યો નથી.
પહેલીવાર કેન્દ્ર સરકારમાં એક પણ મુસ્લિમ પ્રધાન નથી. લઘુમતી મંત્રાલયની કમાન પણ પારસી સમુદાયનના સ્મૃતિ ઈરાની પાસે છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નજમા હેપતુલ્લા અને મુખ્તાર નકવી જેવા મુસ્લિમ નેતાઓને પ્રધાન મંડળમાં સમાવવામાં આવ્યા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પણ મુખ્તારને પ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ 2021ના કેબિનેટ વિસ્તરણમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા. ઓમર અબ્દુલ્લા અને સૈયદ શાહનવાઝ હુસૈન ભાજપની અટલ બિહારી સરકારમાં પ્રધાન હતા.
દેશના 7 સૌથી ઉચ્ચ પદ પર પણ એક પણ મુસ્લિમવ્યક્તિ નથી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા સ્પીકર, મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન, મુખ્ય ચૂંટણી કમિશનર અને રાજ્યસભામાં વિપક્ષના નેતાના પદ પર કોઈ મુસ્લિમ વ્યક્તિ નથી. હાલમાં, દેશમાં 28 રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી માત્ર 2 જ મુસ્લિમ સમુદાયના છે. અબ્દુલ નઝીર આંધ્રપ્રદેશ અને આરીફ ખાન કેરળના રાજ્યપાલ છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં કુલ 34 જજ છે, જેમાંથી એક જજ મુસ્લિમ સમુદાયના છે.
દેશમાં કુલ 29 રાજ્યો છે, પહેલીવાર એવું બનશે કે 15 રાજ્યોમાં એક પણ મુસ્લિમ પ્રધાન નહીં હોય. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેબિનેટ વિસ્તરણ હોલ્ડ પર છે. જો કે આ રાજ્યોમાં મુસ્લિમ પ્રધાન બનવાની શક્યતા શૂન્ય છે. ગુજરાત, આસામ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ, તેલંગાણા અને ઉત્તર પૂર્વના છ રાજ્યોમાં પણ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ છે, આ રાજ્યોમાં એક પણ મુસ્લિમ પ્રધાન નથી. આસામમાં 1 કરોડથી વધુ મુસ્લિમો છે, જ્યારે તેલંગાણામાં મુસ્લિમોની વસ્તી લગભગ 45 લાખ છે.
દેશમાં હાલમાં 28 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટાયેલા મુખ્ય પ્રધાનો છે. હાલમાં દેશના કોઈપણ રાજ્યમાં એક પણ મુસ્લિમ મુખ્ય પ્રધાન નથી. 25 મુખ્ય પ્રધાનો હિંદુ, 2 ખ્રિસ્તી અને એક-એક બૌદ્ધ અને શીખ સમુદાયના છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન કોઈ ધર્મના નથી માનતા. તેઓ હંમેશા પોતાને નાસ્તિક ગણાવે છે. જો કે, સ્ટાલિન જે સમુદાયમાંથી આવે છે તેને ભારત હિંદુ ધર્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
પહેલા જમ્મુ-કાશ્મીરમાં મુસલમાન મુખ્ય પ્રધાન રહ્યા છે, પરંતુ 2019થી અહીં ચૂંટણી થઈ નથી. સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાના નિર્દેશ આપ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ નવું સીમાંકન કરવામાં આવ્યું છે તજેના કારણે ત્યાં મુસ્લિમ મુખ્ય પ્રધાન બનવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે.
કોંગ્રેસ હાલ ત્રણ રાજ્યોમાં સત્તા પર છે. કર્ણાટક સિવાય હિમાચલ અને તેલંગાણામાં કોંગ્રેસે એકપણ મુસ્લિમ વ્યક્તિને પ્રધાન મંડળમાં સ્થાન આપ્યું નથી.
અભ્યાસ મુજબ, સરકારમાં તમામ વર્ગોની ભાગીદારી વ્યવસ્થાની ગુણવત્તામાં સુધારો કરે છે. સાથે જ લોકશાહી સરકારમાં લોકોનો વિશ્વાસ વધે છે. સરકારના નિર્ણયોમાં તમામ વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે છે.