કૉંગ્રેસના પૂર્વ વિધાનસભ્ય યુમસેન માતેની ગોળી મારીને હત્યા
પૂર્વ ધારાસભ્ય યુમસેન માતેની શનિવારે બપોરે ભારત-મ્યાનમાર સરહદ નજીક તિરાપ જિલ્લાના લાઝુ સર્કલ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર, આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા રાહો ગામ પાસે માતેની હત્યા કરવામાં આવી હતી. એમ કહેવાય છે કે માતે તેમના કેટલાક કાર્યકરો સાથે રાહોની મુલાકાતે ગયા હતા. રાહો ગામ આંતરરાષ્ટ્રીય સરહદથી થોડા કલાકો જ દૂર છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસની એક ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે.
આ ઘટના રાહો ગામ પાસે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. તિરાપના એસપી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ વિધાન સભ્ય યમસેન માતે તેમના ત્રણ સમર્થકો સાથે કોઈ અંગત કામ માટે ગામમાં ગયા હતા. જ્યારે માતે અને તેના કાર્યકરો રાહો જઈ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમને અટકાવ્યા હતા. આ વ્યક્તિએ તેની સાથે ખાનગી મીટિંગની માંગ કરી હતી અને તેઓ મીટિંગ માટે એક ટેકરી તરફ ચાલ્યા ગયા હતા.
માતેની રાહ જોઈ રહેલા કામદારોએ થોડીવાર પછી ગોળીનો અવાજ સાંભળ્યો. તે વ્યક્તિ કથિત રીતે પાછો આવ્યો અને કામદારોને આ ઘટના વિશે કોઈને ન કહેવાની ધમકી આપી. બાદમાં ડરી ગયેલા કામદારોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
માતે ઢોંસા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા હતા, અને તાજેતરમાં જ તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી. તેઓ 2009માં કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ વખત વિધાન સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 2014માં ચૂંટણી હારી ગયા હતા અને 2015માં ભાજપમાં જોડાયા હતા. રાજકારણમાં જોડાતા પહેલા, માતે શિક્ષણ વિભાગમાં કામ કરતા સરકારી અધિકારી હતા.
એવી આશંકા છે કે માટેની હત્યા કર્યા બાદ શંકાસ્પદ લોકો મ્યાનમાર તરફ ભાગી ગયા હતા. જો કે, હજુ સુધી પોલીસ હત્યા પાછળની વ્યક્તિની ઓળખ કરી શકી નથી. આ વિસ્તારમાં કેટલાક નાગા વિદ્રોહી જૂથો સક્રિય હોવાનું કહેવાય છે.