ટોપ ન્યૂઝનેશનલ

મધ્ય પ્રદેશની ચૂંટણી કમલનાથ પર પડી ભારે: હાર બાદ કોંગ્રેસે જીતૂ પટવારીને બનાવ્યા MP ના પ્રદેશાધ્યક્ષ

ભોપાલ: મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં એક મોટો ફેરફાર થયો છે. ચૂંટણી હાર્યા બાદ કમનાથે રાજીનામું આપ્યું છે. પાર્ટી હાયકમાન્ડે હવે જીતૂ પટવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે ઉમંગ સિંગારને વિરોધ પક્ષના નેતા અને હેમંત કટારેને વિરોધ પક્ષના ઉપનેતા બનાવ્યા છે. કોંગ્રેસ દ્વારા એક પ્રેસ રિલિઝ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જીતુ પટવારીને તાત્કાલીક ધોરણે મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે. ઉપરાંત પક્ષના પૂર્વ પ્રદેશાધ્યક્ષ કમલનાથની પ્રશંસા પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જીતુ પટવારી 2013માં પહેલીવાર રાઉ બેઠક પરથી વિધાનસભ્ય ચૂંટાયા હતાં. તેઓ હાલમાં કોંગ્રેસના સચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રભારી છે. તેઓ મધ્ય પ્રદેશ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મહત્વની વાત તો એ છે કે રાઉ બેઠક પરથી હાલમાં યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસે જીતુ પટવારીને ઉમેદવારી આપી હતી. પણ તેઓ ભાજપના મધુ વર્મા સામે હારી ગયા હતાં. જોકે 2018માં જીતુ પટવારીએ મધુ વર્માને 5730 મતોથી હરાવ્યા હતાં. રાહુલ પટવારીને રાહુલ ગાંધીના નજીકના વ્યક્તીઓમાં ગણાય છે. તેઓ કમલનાથ સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે.

આ ઉપરાંત છત્તીગઢમાં કોંગ્રેસે પ્રદેશાધ્યક્ષ દીપક બૈજના કાર્યકાળને યથાવત રાખ્યો છે. છત્તીસગઢમાં ચરણદાસ મહંત વિરોધ પક્ષના નેતા હશે. તેઓ પાછલી વિધાનસભામાં વિધાનસભા અધ્યક્ષ હતાં. કે સી વેણુગોપાલના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ છત્તીસગઢમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે દીપક બૈજને પ્રદેશાધ્યક્ષ તરીકે યથાવત રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આ બંને રાજ્યમાં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ હતી.

હમણાં જ યોજાઇ ગયેલ વિધાનસભા ચૂંટણી પાર્ટીએ કમલનાથના નેતૃત્વમાં લડી હતી. જેમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. આ ચૂંટણીમાં ભાજપે 230 વિધાનસભા બેઠકોમાંથી 163 બેઠકો મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 66 વિધાનસભા બેઠક પર જીત મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button