નેશનલ

પાક.ના ૩૦૦ ત્રાસવાદીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ : પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ફરી એક વાર કાશ્મીરમાં સુરક્ષા દળો માટે મોટી મુસીબત સર્જવા સજ્જ થઈ રહ્યા છે. સુરક્ષા અધિકારીઓએ એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે સરહદની બીજી બાજુએ રહેલા ૩૦૦ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની પ્રતિક્ષા કરી રહ્યા છે અને ઓછી હિમવર્ષાને લીધે મુસીબતનું કારણ બની શકે. એ પણ ચિંતાની બાબત છે કે કાશ્મીરમાં સક્રિય મોટા ભાગના આતંકવાદીઓ પીર પંજાલ એરિયામાં શિફ્ટ થઈ ગયા છે અને તેઓ ત્યાંથી પોતાની પ્રવૃત્તિ શરૂ કરવા પ્રયત્નશીલ છે. કાશ્મીર રેન્જના બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે પત્રકારો સાથે વાતચીત કરતાં માહિતી આપી હતી કે ગુપ્તચર ખાતાની સૂચના છે કે ૨૫૦-૩૦૦ આતંકવાદી લોન્ચપેડની પ્રતિક્ષા કરે છે, પરંતુ બીએસએફ અને લશ્કરે પણ સંવેદનશીલ વિસ્તારોમાં કબજો જમાવી દીધો છે અને સતર્ક છે. બીએસએફ અને લશ્કર સરહદી વિસ્તારોમાં સાબદા છે અને ઘૂસણખોરીના પ્રયાસને નાકામયાબ બનાવી દેશે.

જો કે અધિકારીઓએ કહ્યું હતું કે ઊંચા વિસ્તારોમાં વિદેશી અને સ્થાનિક આતંકવાદીઓનો સામનો કરવા અને ઠંડીમાં તેમની ઘૂસણખોરીના પ્રયાસને વિફળ બનાવવાના લશ્કરના પ્રયાસ છતાં આતંકવાદી કાશ્મીરમાં આતંકવાદને ભડકાવવા નવી રણનીતિ ઘડી રહ્યા છે. પોલીસોને લક્ષ્ય બનાવવા ઉપરાંત આતંકવાદીઓએ સુરક્ષાદળોની કાર્યવાહી છતાં પીર પંજાલના દક્ષિણમાં ડેરો જમાવ્યો છે જેથી રાજૌરી અને પૂંછ જિલ્લામાં ફરી આતંક ફેલાવી શકાય.

કાશ્મીરમાં પોલીસ કર્મચારીને નિશાન બનાવવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. જમ્મુ અને કાશ્મીરના પોલીસ ઈન્સ્પેક્ટર મંસૂર અહમદની ૨૯ ઑક્ટોબરે શ્રીનગરના ઈદગાહમાં ક્રિકેટ રમતી વખતે ગોળી મારીને હત્યા કરાઈ હતી. ડીજીપી સ્વૈનને સાત ડિસેમ્બરે તેમના મૃત્યું બદલ
શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે નિરાંતની પળોનો આનંદ લઈ રહેલા પોલીસ પર કાયરતાપૂર્વકખ હુમલો પાકિસ્તાનના ઈશારા પર કામ કરતી આતંકવાદી નેટવર્કની લુચ્ચી માનસિકતા બતાડે છે.઼
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં છ વર્ષમાં આતંકવાદી ઘટનાઓમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૨૩માં અત્યાર સુધીની સૌથી ઓછી આતંકવાદી ઘટના જોવા મળી હતી. સરકાર આતંકવાદ વિરૂદ્ધ શૂન્ય સહિષ્ણુતાની નીતિ જારી રાખતી હોવા છતાં આતંકવાદ ફરી માથું ઉંચકવા પ્રયાસ કરી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button