આમચી મુંબઈ

થાણેમાં રૂ. ૧૬,૦૦૦ કરોડનું હવાલા કૌભાંડ: સિટ કરશે તપાસ

મુંબઈ/નાગપુર: થાણે સ્થિત વાગળે એસ્ટેટમાં પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મ દ્વારા આચરવામાં આવેલા કથિત ડિજિટલ હવાલા કૌભાંડની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સિટ) દ્વારા કરવામાં આવશે એવી રજૂઆત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કરી હતી. કુલ ૧૬,૧૮૦ કરોડ રૂપિયા ૨૧૪ બેન્ક એકાઉન્ટ મારફત કેટલીક વિદેશી નાણાં સંસ્થાઓમાં ફેરવી દેવામાં આવ્યા હતા. વિધાનસભામાં વિધાનસભ્યો સુનીલ પ્રભુ, રવિન્દ્ર વાઈકર, આશિષ શેલાર અને કેપ્ટન આર. સેલવાન દ્વારા કરવામાં આવેલા સવાલનો જવાબ આપતી વખતે ફડણવીસે વિધાનસભામાં વધુમાં જણાવ્યું હતું કે પેમેન્ટ ગેટવેએ પોતાના જ એક ગ્રાહક (પ્રાઈવેટ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ કંપની)ના ખાતામાં છીંડું પાડી તેની સાથે છેતરપિંડી કરી ૨૫ કરોડ રૂપિયા સેરવી લીધા હતા. આ ગેટવે પ્લેટફોર્મ ડિજિટલ હવાલા પ્લેટફોર્મ તરીકે કામ કરતું હતું એવી સંભાવના છે. એકાઉન્ટના રજૂ કરવામાં આવેલા શેર એગ્રિમેન્ટ નોટરાઇઝ કરેલા છે પણ એ અસલી નથી. એટલે અમારી ઈચ્છા છે ક ‘સિટ’ સમગ્ર મામલાની તપાસ કરી કેવાયસીના ધોરણનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેમજ બીજા નામે એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યા હતા કે કેમ એ શોધી કાઢે. સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવા માટે ’સીટ’ને ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે. ત્યારબાદ આરોપનામું દાખલ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button