ભારે ઉધામાં છતાં ઔરંગઝેબની સેના રાઠોડો સામે ફાવતી નહોતી

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૨૩)
સો વાતની એક વાત. રાજપૂતો સામે, રાઠોડો સામે મોગલ સેનાની કાણી કોડીય ઉપજતી નહોતી. ઊલટાનું સૌથી શક્તિશાળી શાસક મનાતા બાદશાહના સૈનિકો જીવ બચાવવા માટે દુઆ માગી રહ્યાં હતાં. આનાથી ઔરગંઝેબ દૂર-દૂર બેઠા ય ભયંકર બળતરા, ઇર્ષા અને ગુસ્સાનો ભોગ બનતો હતો પણ કરે શું?
અકબરે પરાણે આગળ ધકેલેલા તહબ્બર ખાનની સેનાનો દુર્ગાદાસ રાઠોડ, કુંવર
ભીમસિંહ, વિક્રમાદિત્ય સોલંકી, ગોપીનાથ
રાઠોડ સહિતના આગેવાનોના જવાનોએ
ઘાણેરાવ પાસે ખુડદો બોલાવી દીધો. ખુદ તહબ્બર ખાન જ મેદાન છોડીને ઊભી પૂંછડીએ ભાગી ગયો.
ના છૂટકે ઔરંગઝેબ શાંતિ સમાધાનના જાપ કરવા માંડયો પણ રાજપૂતો એની રગરગથી
વાકેફ હતા. ઔરંગઝેબની ઓફરને મહારાણા રાજસિંહે ફગાવી દીધી. એને બદલે આગામી વ્યૂહ ઘડી કાઢવા માટે તેમણે દુર્ગાદાસ રાઠોડ,
કુંવર ભીમ સહિતના લડવૈયાઓને ગોગુન્દા બોલાવી લીધા.
ઔરંગઝેબને ભાગ્યે જ દેશના કોઇ ખૂણામાં આવો સામનો કરવાનો વારો આવ્યો હતો કે આટલી બધી નાલેશી-ખુવારી સહન કરવી પડી હતી.
મહારાણા રાજસિંહના સૌથી મોટા દીકરા જયસિંહ પણ ખૂબ શક્તિશાળી અને નીડર
યોદ્ધા હતા.
રાજસિંહે ઇ. સ. ૧૬૫૩ની ૧૫મી ડિસેમ્બર દેહત્યાગ કર્યો, ત્યારે ભાવિ મહારાણા જયસિંહ મોગલ સેના સાથે લડી રહ્યા હતા.
રાજસિંહના સ્વર્ગવાસના સોળમાં દિવસે જયસિંહે સિંહાસન સંભાળ્યું. ત્યાં જ વાવડ મળ્યા કે તહબ્બર ખાનની સેના દેસુરી તરફ આવી
રહી છે.
પિતાના અવસાન અને પોતાના રાજયાભિષેકને ગૌણ ગણીને જયસિંહે નાનાભાઇ ભીમસિંહને લડવા માટે રવાના કરી દીધા. અહીં
ભીમસિંહ સહિતના આગેવાનોએ તહબ્બર ખાનને આગળ વધવા ન દીધો અને એ મારવાડ તરફ વળી ગયા. આવો કંગાળ જુસ્સો હતો ઔરંગઝેબ સેનાનો.
આ તરફ શોક અને રાજ્યાભિષેક માટેની અમુક સમયમર્યાદા પૂરી થયા બાદ રાઠોડોએ ફરીથી મારવાડમાં સ્થપાયેલા મોગલોના લશ્કરી થાણા પર ત્રાટકવા માટે જવા મહારાણા પાસે મંજૂરી માગી, જે તરત મળી ગઇ અને એ પણ સારી એવી સહાય સાથે.
દુર્ગાદાસ અને અન્ય આગેવાનો ઠેર-ઠેર ત્રાટકયા. ત્યાંના સ્થાનિક સુબા તો પૈસા આપીને પિંડ બચાવી લેતા હતા પણ લશ્કરી થાણાની લૂંટફાટની ખબર પડે એટલે ઔરગંઝેબ વધુ લશ્કર ત્યારે રાઠોડ સેના પર્વત પર જતી રહે. મોગલ સેનાને ફેરો માથે પડે. હતાશા, થાક અને ડર મળે બોનસમાં.
નવા મહારાણાના આગમન સાથે મેવાડમાં સીનારિયો થોડો બદલવા માંડયો હતો. સલાહકારો જયસિંહને સમજાવવા માંડયા કે રાઠોડો માટે અને બાળમહારાજા અજીતસિંહ માટે મેવાડે શા માટે લડતું રહેવું જોઇએ?
આ માહિતી મળતા જ દુર્ગાદાસ રાઠોડને થયું કે હવે અજિતસિંહને મેવાડમાં રાખવામાં જોખમ ઊભું થઇ શકે. આ ઓચિંતી આવી પડેલી નવી આફત હતી.
એમાંય વધુ મુશ્કેલી એ હતી કે બાળકુંવરના માતા ગુજરી ગયા હતા. એટલે દુર્ગાદાસ અને અન્ય રાઠોડ યોદ્ધાઓએ મહારાજા જસવંતસિંહની દેવડી રાણી સાથે ચર્ચા-વિમર્શ કર્યા. આમાં સૌ સંમત થયા કે હવે એક જ અજિતસિંહને મેવાડથી અન્યત્ર ખસેડવા જ પડે અને એ પણ બને એટલા જલદી.
બાળકુંવર અજિતસિંહ માટે સલામત આશ્રય સ્થાન શોધવાનું હતું કે જયાં ઔરંગઝેબના હાથ પહોંચી ન શકે? સાથોસાથ ઔરંગઝેબને માત આપવા નવો વ્યૂહ દુર્ગાદાસ રાઠોડના મનમાં આકાર લેવા માંડ્યો હતો. (ક્રમશ:)