ઉત્સવ

વૈશ્ર્વિક સરકાર બને તો જ પૃથ્વી પર ફેલાશે શાંતિ…

બીજા વિશ્વ યુદ્ધ પછીની પાયમાલી જોઈને વખતના વિશ્ર્વના ચાર વિખ્યાત પુરુષોએ પરમ શાંતિ માટે સંયુક્ત વૈશ્ર્વિક સરકાર રચવાની ભલામણ કરી હતી…

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

આમ તો તામ્ર યુગ, પ્રાચીન ઈજીપ્ત, મેસોપોટેમિયા, પ્રાચીન ચીન અને જાપાનના સમયથી એ વિચાર અલગ-અલગ સ્વરૂપે ચર્ચામાં હતો, પરંતુ ઔધોગિક યુગ અને પ્રથમ વિશ્ર્વયુદ્ધ પહેલાં, અમેરિકન રાષ્ટ્રપતિ યુલીસેસ ગ્રાન્ટ અને થીયોડોર રુઝવેલ્ટે તકનીક અને ઉધોગ ક્ષેત્રે ઝડપી પ્રગતિને જોતાં વૈશ્ર્વિક સરકાર’ (અથવા વૈશ્ર્વિક રાષ્ટ્ર)ની હિમાયત કરી હતી.

બીજા વિશ્ર્વયુદ્ધમાં જે પાયમાલી થઇ તે જોઇને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન- વિચારક બર્ટ્રાન્ડ રસેલ-
વિન્સ્ટન ચર્ચિલ તેમજ મહાત્મા ગાંધી જેવા નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચનાથી આગળ જઈને સંયુક્ત વૈશ્ર્વિક સરકાર રચવાની ભલામણ કરી હતી.

વૈશ્ર્વિક સરકાર રચવા પાછળનો મુખ્ય ઉદેશ્ય અલગ-અલગ રાષ્ટ્રોનાં હિતોના ટકરાવમાંથી પેદા થતા વિવાદો, સંઘર્ષો અને યુદ્ધોને રોકવાનો અને પૃથ્વી પર માનવતાના શાંતિપૂર્ણ વિકાસમાં સહયોગ કરવાનો હતો. દુનિયામાં હવે બધા લોકોની એક વાતમાં સહમતી છે કે પૃથ્વી પર સીમાઓ ખેંચીને માણસે બધી સમસ્યાઓ ઊભી કરી છે. સીમાઓ દોરવા પાછળ કોઈ નૈતિકતા તો છે નહીં, જેનું જેટલું જોર ચાલ્યું એ પ્રમાણે રેખાઓ ખેંચાઈ ગઈ, જેનું ના ચાલ્યું તે હજુય લડ્યા કરે છે. એમાં જ માનવ જાતિ ખતરામાં આવી ગઈ છે.

આઇઝેક અસિમોવ નામના એક મોટા દરજ્જાના અમેરિકન વિજ્ઞાન લેખકે તો એમની આત્મકથામાં
લખ્યું હતું કે, પૃથ્વીને સેંકડો જુદા જુદા ટુકડાઓમાં વહેંચવી જોઈએ નહીં, જેમાં માનવતાનો એક વર્ગ જાતે જ નક્કી કરીને વસવાટ કરે અને પોતાના કલ્યાણ અને તેની પોતાની ‘રાષ્ટ્રીય સુરક્ષા’ને બીજા સૌ કરતાં સર્વોપરિ માને. વિશ્ર્વમાં રાષ્ટ્રો નથી, માત્ર માનવતા જ છે. આપણે જો આ વાત જલદી સમજી નહીં જઈએ, તો એક પણ રાષ્ટ્ર નહીં હોય, કારણ કે ‘માનવતા નહીં હોય.’
૧૯૬૯ના એપોલો-૯ સ્પેસ મિશનના સભ્ય રસ્ટી શ્વીખાર્ટે, સ્વઅનુભવથી આવી જ
વાત કરી હતી. એણે જયારે અવકાશમાંથી પૃથ્વીને જોઈ ત્યારથી જ એના વિચારો બદલાઈ ગયા હતા. પૃથ્વી પરના સૌ લોકોની જેમ, એનો ઉછેર પણ એવો જ થયો હતો જે સરહદો અને વિવિધ રાષ્ટ્રીયતા ધરાવતા દેશોની દ્રષ્ટિએ વિચારે, પરંતુ અવકાશમાં ગયા પછી એને એક અલગ દ્રષ્ટિકોણથી પૃથ્વી જોવાનો અવસર મળ્યો.

પોતાને અલગ રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાનો હિસ્સો માનતા રસ્ટીને અંતરિક્ષમાં મહેસૂસ થયું કે એ તો દરેક વસ્તુ અને દરેક વ્યક્તિનો હિસ્સો હતો. પછી એણે કહ્યું હતુ, તમે ત્યાંથી નીચે જુઓ ત્યારે તમે કલ્પના પણ ન કરી શકો કે તમે કેટલી સરહદોને વારંવાર પાર કરો છો અને મજાની વાત એ છે કે તમને એક પણ સીમા નજર ન આવે.!’

પૃથ્વી પર અસંખ્ય વિવિધ પ્રજાતિઓમાંથી એક માનવ જાતિ છે અને તેના સાત અબજ સભ્યો છે. એક અર્થમાં, પૃથ્વી પર કોઈ રાષ્ટ્રો નથી, માત્ર વિવિધ વિસ્તારોમાં રહેતા માનવીય જૂથ છે. કેટલાક વિસ્તારો સમુદ્રો અથવા પર્વતોથી સીમાંકિત છે તો અમુકમાં કરાર અથવા સંઘર્ષ દ્વારા સ્થાપિત કાલ્પનિક સરહદો છે. આપણે રાષ્ટ્રોમાં નહેં , પૃથ્વીમાં રહીએ છીએ અને આપણી રાષ્ટ્રીયતા નથી, પ્રજાતિ છે.

આપણે ભલે જુદા અને નોખા લાગતા હોઈએ, પણ આપણો સ્ત્રોત તો એક જ છે. આપણી પ્રજાતિનો બે લાખ વર્ષ પહેલાં, આફ્રિકામાં ઉદય થયો હતો અને કાળક્રમે સંજોગોવસાત દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાં સ્થળાંતર કરીને એમણે પોતાનો સિક્કો જમાવી દીધો હતો.

બહુ સાદી ભાષામાં સમજવું હોય તો કલ્પના કરો કે મંગળ પર રહેવા લાયક વાતાવરણ છે. એમાં પૃથ્વી પર જેની પાસે સમૃદ્ધિ અને તાકાત હશે એ ત્યાં સૌથી પહેલાં જઈને કોઈ એક જગ્યાએ પોતાનું રાષ્ટ્ર’ સ્થાપી દેશે. થોડા વખત પછી બીજા પ્રવાસીઓ આવશે અને તે અન્ય બંજર જમીન પર પોતાનું બોર્ડ મારી દેશે. કદાચ પાંચેક હજાર વર્ષ પછી મંગળ પર પણ ઇઝરાયેલ-પેલેસ્ટાઈન કે રશિયા-યુક્રેનની જેમ જંગ ચાલતી હશે!
સવાલ એ છે કે પૃથ્વી પર રાષ્ટ્રીયતા ક્યાંથી આવી? શા માટે મનુષ્યો જૂથોમાં અલગ થઇ ગયા? સંગઠનના નામે વિવિધ જૂથ સહકાર સાધે છે તે સાચું, પણ એ બધા પોતાને એકબીજાથી ભિન્ન કેમ માને છે અથવા એકબીજા સાથે કેમ સ્પર્ધા કરે છે અને કેમ લડે છે?

મનોવિજ્ઞાનમાં ટેરર મેનેજમેન્ટ’ નામની એક થિયરી છે, જે કહે છે કે લોકો જયારે અસુરક્ષા અને ઉચાટ અનુભવે ત્યારે સલામતી માટે સમૂહમાં શરણ લે છે. ‘ટેરર મેનેજમેન્ટ’ અનુસાર, મોટા જૂથો, અને ક્યારેક એક આખો માનવ સમાજ તે નષ્ટ થઇ જશે તેવા ડરથી અથવા એમના ગયા પછી એમના વિચારો એમના વારસોમાં જીવતા રહેશે તેવી આશામાં સાથે અમુક પ્રકારનું વર્તન કરે છે.માણસ બીજા લોકોના સંગાથમાં તે સુરક્ષિત અને શાંતિ અનુભવે છે. એમાં રોટી-કપડાં-મકાનની સમસ્યાઓ પણ હળવી થઇ જાય છે. આ એક જ મુખ્ય કારણસર છે કે માણસે વિભાજિત થઈને કબીલાઓમાં રહેવાનું શરૂ કર્યું હતું અને એ કબીલાઓ જ પછી રાષ્ટ્રો અને રાષ્ટ્રીયતામાં તબદીલ થઇ ગયા હતા.

આપણામાં રહેલી અસુરક્ષા સામે પોતાનો બચાવ કરવા માટે કબીલાઈ ઓળખનાં લેબલને વળગી રહેવાની વૃતિ છે. આવા વર્તનના ફાયદા અને જોખમ બંને છે. ફાયદો એ છે કે સમુદાયમાં અને સહકારમાં રહીને માણસે પૃથ્વી પર અસાધારણ પ્રગતિ કરી છે તો નુકસાન એ છે કે સમગ્ર પૃથ્વી આજે સૌથી વધુ અસુરક્ષિત થઇ ગઈ છે.

‘ટેરર મેનેજમેન્ટ’ થિયરીનું મુખ્ય તત્વ એ છે કે મનુષ્ય એની નશ્વરતાના ભાવને ટાળવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. ઉદાહરણ તરીકે..‘જેમ કે મરીને શહીદ થઇ જાઉં અથવા તને મારી નાખું,’ અથવા ગ્લોબલ વોર્મિંગ સામે પગલાં લેવાનો ઇનકાર. ઘણા બધા દેશો આજની તારીએખે પણ ગ્લોબલ વોર્મિંગની વાસ્તવિકતાને સ્વીકારતા નથી, કારણ કે એવું કરવા જતાં તેને રોકવાના પ્રયાસ કરવા પડે અને એમાં પોતાના જ લોકોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય.

એનાથી વિપરીત, યુદ્ધ થાય અથવા પર્યાવરણનું સંકટ આવે ત્યારે લોકો વધુને વધુ રાષ્ટ્રવાદી બની જાય છે. થિયરી કહે છકે કટોકટી અને અનિશ્ર્ચિતતાના સમયમાં રાષ્ટ્રવાદ વધે છે. ગરીબી અને આર્થિક અસ્થિરતા રાષ્ટ્રવાદ અને વંશીય સંઘર્ષ તરફ દોરી જાય છે. અસુરક્ષાની વધતી ભાવના આપણી ઓળખની ભાવનાને વધુ મજબૂત કરે છે.

આનો અર્થ એ થયો કે જે લોકોમાં અલગતાની અને અસુરક્ષાની સૌથી મજબૂત ભાવના હોય એ બધા રાષ્ટ્રવાદ, જાતિવાદી અને કટ્ટરવાદી હોય અને એટલા માટે જ, શાસકો હંમેશાં એમના નાગરિકોને ‘બીજાઓ’ની બીક બતાવતા રહે છે. બીજા લોકો તમારા સામે કાવતરું કરી રહ્યા છે એવો ડર તમામ વિવાદ- સંઘર્ષ અને યુદ્ધના પાયામાં છે.

કદાચ, પાંચ હજાર વર્ષ પછી મંગળનો શાસક પૃથ્વીવાસીઓ તમને મારવા આવી રહ્યા છે’ એવું કહીને મંગળવાસીઓ પર રાજ કે યુદ્ધ કરતો હશે…
( સંપૂર્ણ )

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?