રાયગઢ ડ્રગ્સ તસ્કરો પર પ્રશાસની સફળ કાર્યવાહી : એક વર્ષમાં કરોડો રૂપિયાનું અમલી પદાર્થ જપ્ત
મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક વર્ષમાં પ્રશાસને ડ્રગ્સ તસ્કરો સામે મોટી કાર્યવાહી કરી આઠ હજાર કરોડ રૂપિયાનો ગાંજો, 219 કિલો ચરસ અને 314 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હોવાની માહિતી પ્રશાસને જાહેર કરી હતી. રાજ્યમાં ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધી 18 વ્યક્તિઓ સામે ગુના નોંધવામાં આવ્યા છે અને 23 આરોપીઓની ધરપકડ પર કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાંથી આ ડ્રગ્સને વિદેશોમાં પણ મોકલવામાં આવતા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. માહિતી મુજબ ગયા બે મહિનાના સમયગાળામાં રાયગઢના દરિયા કિનારા પરથી 219 કિલો ચરસના લગભગ 185 પેકેટ પાણીમાં વહીને કિનારે આવ્યા હતા. આ ચરસની કિંમત 8 કરોડ 25 લાખ 11 હજાર રૂપિયા હોઈ શકે એવું જાણવા મળ્યું છે. પાણીમાં વહીને કિનારે મળેલા આ ડ્રગ્સના પેકેટ મામલે રાયગઢ જિલ્લામાં ગુનાઓ નોંધી તપાસ શરૂ કરવામાં આવ્યા છે.
ડ્રગ્સનો મુદ્દો વિધાનસભામાં ચાલતા શિયાળુ સત્રમાં પણ ગાજી રહ્યો છે. એવામાં ખોપોલી નજીક એક ઈલેક્ટ્રિક પોલ બનાવતા કારખાનામાં પણ ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલનું નિર્માણ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ સ્થળે કાર્યવાહી કરી પોલીસે 85 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની કિંમત 107 કરોડ હોવાનું સામે આવ્યું હતું. ખોપોલી પોલીસ દ્વારા આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમના બીજા કારખાનાઓ અને ગોડાઉન અંગે પણ માહિતી માગી હતી. જેમાં આરોપીઓએ હોનાડ ખાતે આવેલા ગોદામમાં 177 કિલો એમડી હોવાનું કહ્યું હતું, ત્યારબાદ પોલીસે આ સ્થળે દરોડા પાડી અમલી પદાર્થ જપ્ત કર્યું હતું.
રાજ્યના મુંબઈ અને પુણે જેવા મોટા શહેરોમાં પાર્ટીઓમાં આવા અમલી પદાર્થોની સૌથી વધુ માગણી હોય છે. રાજ્યમાં અમલી પદાર્થોની હેરફેર દિવસે દિવસે વઘી રહી છે. આ મામલે પ્રશાસન પણ એલર્ટ થઈ ગયું છે અને અનેક જગ્યાએ દરોડા પાડી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા મળી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.