નેશનલ

દુષ્કર્મ અને યૌન શોષણ સંબંધી રોજના 2000 કોલ્સ આવે છે: નિર્ભયા કેસના 11 વર્ષ નિમિત્તે સ્વાતિ માલીવાલનું નિવેદન

નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનું માનવું છે કે મહિલાઓને કેવી રીતે સુરક્ષિત વાતાવરણ આપવું, તેમનું માન-સન્માન કેવીરીતે જાળવવું એ શાળાકક્ષાએથી જ બાળકોને શીખવાડવું જોઇએ.
નિર્ભયા કેસની 11મી વર્ષગાંઠ પર સ્વાતિ માલીવાલે એક મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે આટલી ગંભીર ઘટનાને એક દાયકો વીત્યા બાદ પણ આપણા દેશમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે કંઈ બદલાયું નથી. ઉલટાનું રાજધાનીમાં ગુનાખોરીમાં વધારો થયો છે.


16 ડિસેમ્બર 2012ના રોજ દક્ષિણ દિલ્હીમાં ચાલુ બસમાં મોડી રાત્રે 23 વર્ષની યુવતી પર બસ ડ્રાઇવર-કંડક્ટર સહિત છ વ્યક્તિઓએ બળાત્કાર કર્યો હતો અને પારાવાર શારીરિક હિંસા આચરી હતી. બળાત્કાર ગુજાર્યા બાદ તેને ચાલતી બસમાંથી ફેંકી દેવામાં આવી હતી. 29 ડિસેમ્બરે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો.


દેશભરમાંથી અનેક લોકોએ દોષિતોને ફાંસીની માગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર સહિત દિલ્હી પોલીસ રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઇ છે તેવા ગંભીર આક્ષેપો થયા હતા. મહિલાઓ સામેના ગુના અંગે નવા કાયદા ઘડવાની કેન્દ્ર તથા રાજ્ય સરકારને ફરજ પડી હતી.

સ્વાતિ માલીવાલે આગળ કહ્યું હતું કે નિર્ભયા કેસ બાદ પણ આ મામલે હજુ પણ કોઇ નક્કર વ્યવસ્થા ગોઠવાઇ નથી. આ પ્રકારની ઘટનાઓમાં પીડિતાને બને એટલો ઝડપી ન્યાય મળવો જોઇએ, ન્યાય પ્રક્રિયામાં સુધારા, પોલીસ તંત્રમાં સુધારા, અદાલતોની સંખ્યા વધારવાની જરૂર છે. દર વર્ષે 16 ડિસેમ્બરે નેતાઓ આવીને મોટી મોટી વાતો કરે છે પરંતુ એ બધું વ્યર્થ છે.


“હવે જો કોઇ પોલીસકર્મી બળાત્કાર પીડિતાની ફરિયાદ નોંધવામાં આનાકાની કરે, તો તેની સામે પણ ફરિયાદ દાખલ થઇ શકે છે. દિલ્હી મહિલા આયોગ દ્વારા અમે હંમેશા એ સુનિશ્ચિત કરીએ છીએ કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ નોંધવામાં આવે. હજુ પણ અપરાધીઓના મનમાં કાયદાનો ડર નથી.


બળાત્કાર અને યૌન શોષણના કેસોમાં આરોપી દોષિત ઠરે તેવું ઓછું બને છે, દિલ્હી મહિલા આયોગને દુષ્કર્મ અને યૌન શોષણને લગતા દરરોજ 2,000 થી વધુ ફોન કોલ્સ આવે છે. મને લાગે છે કે પોલીસ દળોની સંખ્યા વધારવી જોઈએ અને તેમને બેદરકારી માટે જવાબદાર ઠેરવવા જોઈએ. શું પોલીસ સ્ટેશનોમાં પૂરતા CCTV કેમેરા છે? પોલીસકર્મીઓની બેદરકારી બદલ તેમની સામે શું પગલાં લેવાય છે?” તેવું સ્વાતિ માલીવાલે કહ્યું હતું.

“બાળકોને પણ શાળાકક્ષાએથી જ મહિલાઓને કેવી રીતે સુરક્ષિત વાતાવરણ આપવું, તેમનું માન-સન્માન કેવીરીતે જાળવવું એ શીખવાડવું જોઇએ. શાળાઓ સિવાય તેમને કોણ એ શીખવાડશે કે મહિલાઓ પર હાથ ઉપાડવો એ અયોગ્ય બાબત છે?” સ્વાતિ માલીવાલે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button