અમેરિકાઝ ગોટ ટેલેન્ટ ફેમ પંજાબનો કોન્સ્ટેબલ હેરોઇન સાથે પકડાયો
ચંડીગઢ: પંજાબ પોલીસનો ભૂતપૂર્વ કોન્સ્ટેબલ જગદીપ સિંહ વર્ષ 2019 માં વિશ્વ વિખ્યાત રિયાલિટી ટીવી શો અમેરિકાઝ ગોટ ટેલેન્ટમાં પ્રવેશ મેળવીને લાઈમ લાઈટમાં આવ્યો હતો. હવે ગઈ કાલે શુક્રવારે જગદીપ સિંહનું નામ ફરીથી સ્થાનિક સમાચાર પત્રોમાં ચમક્યું હતું. 7 ફૂટ 6 ઇંચની ઊંચાઈ ધરાવતો જગદીપ સિંહ 500 ગ્રામ હેરોઈન સાથે પકડાયો હતો, તેની સાથે અન્ય બે શખ્સો પણ પકડાયા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કે, તરનતારન જિલ્લામાં જગદીપ સિંહની એસયુવીમાંથી હેરોઈન મળી આવ્યું હતું. પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ દ્વારા જગદીપ ઉર્ફે દીપ સિંહ અને અન્ય બેની ધરપકડ કરવામાં આવી હતી.
7 ફૂટ 6 ઇંચ ઊંચા જગદીપને વિશ્વનો સૌથી ઊંચો શીખ માનવામાં આવે છે, તે બીર ખાલસા જૂથનો ભાગ છે જે એક પરંપરાગત શીખ માર્શલ આર્ટ ‘ગટકા’ની પ્રેક્ટીસ કરે.
2019 માં અમેરિકાઝ ગોટ ટેલેન્ટ પરના એક એક્ટમાં જગદીપ તેની આસપાસ નાળિયેર અને તરબૂચ રાખીને સાથે જમીન સુઈ ગયો, બીર ખાલસા જૂથના સ્થાપક કંવલજીત સિંહે આંખ પર પટ્ટી બાંધી હથોડા વડે નાળિયેર અને તરબૂચ તોડી નાખ્યા. આ ગ્રુપે ઓસ્ટ્રેલિયાની ગોટ ટેલેન્ટમાં પણ ભાગ લીધો હતો.
ધરપકડ બાદ જગદીપને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેણે તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો, પોલીસે જણાવ્યું હતું કે, તેઓ ડ્રગની દાણચોરીમાં સામેલ સમગ્ર સાંઠગાંઠની તપાસ કરશે.
જગદીપે પોલીસ વિભાગમાંથી આગોતરી નિવૃત્તિ લીધી હતી.