74.1% ભારતીયોને સ્વસ્થ આહાર પરવડતો નથી, યુએન ફૂડ એજન્સીનો દાવો
નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સ દ્વારા તાજેતરમાં એક અહેવાલ જાહેર કરાયા બાદ ભારત સરકારના ખાદ્ય સુરક્ષા અંગેના દાવાઓ પર સવાલ ઉભા થઇ રહ્યા છે. આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલો યુએનનો અહેવાલ દર્શાવે છે કે વર્ષ 2021 માં ભારતમાં એક અબજથી વધુ ભારતીય નાગરીકો તંદુરસ્ત આહાર મેળવી શકે એવી આર્થીક સ્થિતિમાં ન હતા. આ રીપોર્ટ કેન્દ્ર સરકારના દાવાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ દર્શાવે છે.
યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા મંગળવારે પ્રકાશિત કરાયેલા અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે 2021માં 74.1% ભારતીયોને સ્વસ્થ આહાર પરવડી શકે તેમ ન હતો. જે 2020ના 76.2%ના આંકડા કરતા થોડો સુધારો દર્શાવે છે.
યુનાઈટેડ નેશન્સ પુખ્ત વયના લોકો માટે એવા ખોરાકનેને તંદુરસ્ત આહારને વ્યાખ્યાયિત કરે છે જેમાં દરરોજ ઓછામાં ઓછા 400 ગ્રામ ફળ અને શાકભાજી તેમજ બદામ અને આખા અનાજનો સમાવેશ થાય છે. સ્વસ્થ આહારમાં કુલ ઊર્જાના 10% કરતાં ઓછી સુગરમાંથી, 30% કરતાં ઓછી ઉર્જા ચરબીમાંથી, 5 ગ્રામ કરતા ઓછું મીઠું હોવું જોઈએ.
દક્ષિણ એશિયાના અન્ય દેશો જેમકે પાકિસ્તાનના 82.8% નાગરિકો સ્વસ્થ આહાર પરવડી શકે તેમ ન હતો, જે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આ સૌથી ખરાબ પરિસ્થિતિ દર્શાવે છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં આ આંકડો 66.1% અને નેપાળમાં 76.4% હતો. અહેવાલ મુજબ માલદીવમાં માત્ર 1.2% નાગરિકોને જ સ્વસ્થ આહાર પરવડી શકે તેમ ન હતું.
એજન્સીએ જણાવ્યું હતું કે જો વધતા ખોરાકના ખર્ચ સાથે આવકમાં વધારો ન થયો તો, તો વધુ લોકો પાસેથી તંદુરસ્ત આહાર છીનવાઈ જશે. જો આવકમાં ઘટાડો થાય તે જ સમયે ખાદ્યપદાર્થોના ખર્ચમાં વધારો થાય છે, તો એક ચક્રવૃદ્ધિ અસર થાય છે જેના પરિણામે વધુ લોકોને તંદુરસ્ત આહાર પોસાતો નથી.