ઈઝરાયેલ હુમલામાં વધુ એક પત્રકારનું મોત, ત્રણ પેલેસ્ટીનીયન બંધકોને પણ ગોળી મારી
ઇઝરાયલી સેના ગાઝામાં સતત હુમલા કરી રહી છે જેમાં મોટા પ્રમાણમ સામાન્ય નાગરીકોના મોત થઇ રહ્યા છે, સાથે સાથે ડોક્ટર્સ, રાહત કાર્યકરો અને પત્રકારોના પણ મોત થઇ રહ્યા છે. ગાઝામાં તાજેતરના ઈઝરાયેલના હુમલામાં કતારની ન્યૂઝ ચેનલ અલ-જઝીરાના એક કેમેરામેનનું મોત થયું હતું. હુમલામાં માર્યા ગયેલા વિડિયો જર્નાલિસ્ટ સમેર અબુદાકા હુમલાઓથી બચવા માટે તેમના સાથીદાર વેલ દહદૌહ સાથે ખાન યુનિસની ફરહાના સ્કૂલમાં ગયા હતા.
અલ જઝીરા નેટવર્કે જણાવ્યું હતું કે, “ઇઝરાયલી હુમલામાં પેલેસ્ટિનિયન કેમેરામેન સમેર અબુદાકાનું મોત થયું છે. તેનો પાર્ટનર વેલ દાહદૌહ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે બંને ઘેરાયેલા વિસ્તારની એક શાળામાંથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા.”
અહેવાલો મુજબ હાથ અને ખભાના ભાગમાં ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયેલા વેલ દાહદૌહે હોસ્પિટલના પલંગમાં સૂતી વખતે અલ-જઝીરાને કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે હું શાળામાંથી ભાગી ગયો, મારું ખૂબ લોહી વહી રહ્યું હતું, મને થોડા અંતરે એમ્બ્યુલન્સ મળી. અલ-જઝીરાએ ઈઝરાયેલના હુમલાની નિંદા કરી છે અને અહેવાલ આપ્યો છે કે સમેર અબુદાકાનું 5 કલાક સુધી લોહી વહેતું રહ્યું પરંતુ તેમને કોઈ મદદ ન મળી અને તે મૃત્યુ પામ્યા.
યુદ્ધની વચ્ચે ઈઝરાયેલની સેનાએ આવા સમાચાર આપ્યા છે, જે બાદ ઈઝરાયેલમાં જ સેનાને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે તેણે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન આકસ્મિક રીતે ત્રણ બંધકોને મારી નાખ્યા છે. સેનાએ ત્રણ બંધકોના મોત પર દુ:ખ પણ વ્યક્ત કર્યું છે.
સેનાએ કહ્યું, અમારા સૈનિકોએ ઉત્તરી ગાઝાના શેજૈયામાં ત્રણ બંધકોને ગોળી મારી દીધી હતી. બંધકો સમીર તલાલ્કા, 22, એલોન શમરિઝ, 26 અને યોતમ હૈમ, 28, ભૂલથી માર્યા ગયા કારણ કે તેઓ અમારા માટે ખતરો હોવાનું જણાયું હતું. સેનાએ કહ્યું કે બંધકોના મૃતદેહને ઇઝરાયલ લાવવામાં આવ્યા છે જ્યાં તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.
સેનાએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. યોતમ હૈમ હેવી મેટલ બેન્ડ ‘પર્સેફોર’ માટે ડ્રમર હતો. તે છેલ્લે 7 ઓક્ટોબરના રોજ એક વીડિયોમાં જોવા મળ્યો હતો. આ વીડિયો કફર અજામાં તેના ઘરની સામેનો હતો, ત્યારબાદ હમાસે તેનું અપહરણ કર્યું હતું.
એલોન શમરિઝ કોમ્પ્યુટર એન્જિનિયર હતો અને તેનું કિબુત્ઝ કફાર વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.