હોટલમાં પ્રેમિકા સાથે ઝગડો, IAS ના દિકરાએ પહેલાં માર માર્યો અને પછી કારથી કચડવાનો કર્યો પ્રયાસ
મુંબઇ: એક 26 વર્ષની મહિલાએ તેના પ્રેમી પર આક્ષેપ કર્યો છે કે એણે કથિત રીતે થાણેમાં તેની એસયુવી નીચે આ મહિલાને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે મહિલાને ગંભીર ઇજાઓ થઇ છે. કહેવાઇ રહ્યું કે આરોપી મહારાષ્ટ્રના એક સિનિયર બ્યુરોક્રેટનો દિકરો છે જેનું નામ અશ્વજીત ગાયક્વાડ છે.
પિડીતા પ્રિયા એક બ્યુટિશિયન છે. પ્રિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી આ તેની આપવિતી જણાવી છે. આ ઘટના 11મી ડિસેમ્બરના રોજ ઘટી હતી. કાસરવડવલી પોલીસે આ અંગે આરોપી અશ્વજીત તથા અન્ય બે લોકો પર અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયાએ પોસ્ટમાં લખ્યું છે કે, મને ન્યાય જોઇએ છે. દોષી અશ્વજીત અનિલ કુમાર ગાયક્વાડ, મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ નિગમના જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અનીલ કુમાર ગાયક્વાડનો દિકરો છે.
પ્રિયાએ તેની પોસ્ટમાં અશ્વજીતના મિત્રો રોમિલ પાટીલ, પ્રસાદ પાટીલ અને સાગર શેલ્કે આ તમામ થાણેના રહેવાસી છે તેમના ઉપરાંત અશ્વજીતના ડ્રાઇવર અને અંગરક્ષક શિવાનું પણ નામ લીધુ છે. પ્રિયાએ લખ્યું છે કે મારા પ્રેમીએ મારા પર તેની કાર ચઢાવી દીધી હતી અને મને મરવા માટે રસ્તા પર છોડી દીધી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના ઘોડબંદર રોડ પરની એક હોટલ પાસે સોમવારે સવારે લગભગ સાડા ચાર વાગે ઘટી હતી. અહીં આ મહિલા અશ્વજીત ગાયક્વાડને મળવા પહોંચી હતી. બંને વચ્ચે બહેસ થઇ હતી. ઝગડો થયો અને પછી જ્યારે પિડીતા કારમાંથી ઉતરીને જવા લાગી ત્યારે કાર ચલાવનારે તેને કચડવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે તે પડી ગઇ અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે પિડીતાએ સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે જાણકારી આપી હતી. હાલમાં પિડીયાની સારવાર ચાલી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, ગાયક્વાડ મહારાષ્ટ્રના એક નિવિયર બ્યુરોક્રેટનો દિકરો છે.