સાંસદોએ સાગર-મનોરંજનનો આભાર માનવો જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
હમણાં રાજસ્થાન, છત્તીગસઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપના નવા મુખ્ય પ્રધાનોના શપથવિધીની તામઝામ ચાલે છે તેમાં સંસદની સુરક્ષાના અને આપણી આબરુના પણ ધજાગરા ઊડી ગયા એ મુદ્દો દબાઈ ગયો છે. ૧૩ ડિસેમ્બરે સંસદ પર હુમલાની વરસીએ સાગર શર્મા અને મનોરંજન ડી. નામના યુવકોએ સંસદની અંદર ઘૂસીને પોતાની સાથે લઈ ગયેલા સ્પ્રેથી આખા ગૃહમાં ધુમાડો ધુમાડો કરી નાંખ્યા જ્યારે સંસદ સંકુલમાં અમોલ શિંદે અને નીલમે સ્પ્રેથી ધુમાડો કરીને સૂત્રોચ્ચાર કર્યો. વિકી નામના આરોપીએ બહાર રહીને આ લોકોને મદદ કરી હતી ને એ પણ હાજર હતો.
ગૃહમાં ધુમાડો થઈ ગયો હોવાની ખબર પડતાં હાંફળીફાંફળી થયેલી પોલીસ અને સંસદ સુરક્ષાના જવાનોએ ભાગંભાગ કરી મૂકેલી. સંસદની અંદર ઘૂસેલા સાગર અને મનોરંજનને તો આપણ સાંસદોએ જ ઘેરી લઈને મેથીપાક આપીને ઝબ્બે કરી નાંખેલા જ્યારે બાકીના ત્રણને બહારથી પકડી લેવાયા તેથી ઘટનાની મિનિટોમાં જો પાંચ આરોપી ઝડપાઈ ગયેલા. આ આરોપીઓની પૂછપરછમાં આખો પ્લાન લલિત ઝા નામના એનજીઓ ચલાવતા યુવકનો હોવાનું બહાર આવતાં પોલીસ તેને પકડવા પણ ધંધે લાગેલી.
સંસદની અંદરની ધમાલ તો લોકસભા ચેનલ પર લોકોએ લાઈવ જોયેલી જ્યારે બહાર જે કંઈ થયું તેનો વીડિયો લલિત મોહન ઝાએ બનાવેલો. આ વીડિયો ઝાએ વાઈરલ કરેલો અને બંગાળમાં એનજીઓ ચલાવતા નીલક્ષને મોકલ્યા હતા. લલિત આ ઘટનાને ફેસબુક પર લાઇવ કરવા માગતો હતો તેથી ચારેય આરોપીઓના મોબાઈલ ફોન પોતાની પાસે રાખ્યા હતા. જો કે પોલીસની હલચલ જોયા પછી લલિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
લલિત બસમાં બેસીને રાજસ્થાનના નાગૌર ગયેલો. નાગૌરમાં પોતાના બે મિત્રોને મળ્યો અને એક હોટેલમાં રાત વિતાવી. લલિતનો ઈરાદો શું હતો એ ખબર નથી પણ પોલીસ તેને શોધવા ખાઈખપૂસીને પાછળ પડી છે એવું લાગતાં નાગૌરથી બસમાં દિલ્હી પાછો આવ્યો અને આત્મસમર્પણ કરી દીધું. આ રીતે આ કાંડ સાથે સંકળાયેલા તમામ છ લોકો ઝડપાઈ ગયા હોવાનો પોલીસનો દાવો છે.
આ કેસમાં દિલ્હી પોલીસે મામલામાં આરોપી મનોરંજન ડી. સાગર શર્મા, અમોલ શિંદે અને નીલમ સામે આતંકવાદની કલમો લગાડીને કેસ કર્યો છે. દિલ્હી પોલીસે કોર્ટમાં આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ કોર્ટે સાત દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલીસ વિકી અને લલિતને પણ કોર્ટમાં રજૂ કરશે જ. પોલીસે આ આખું કાવતરું કઈ રીતે ઘડાયું તેની વિગતો પણ આપી છે ને પોતે શું શું કર્યું તેની પરાક્રમગાથા વર્ણવી છે.
સંસદની સુરક્ષામાં ચૂક બદલ આઠ લોકોને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે પણ આ બધુ રાંડ્યા પછીનું ડહાપણ છે. પોલીસ પોતાની ભૂલ ઢાંકવા સિક્યુરિટી બ્રીચ કહે છે પણ આ હુમલો જ છે કેમ કે સાગર અને મનોરંજને સંસદમાં કૂદાકૂદ કરી મૂકી પછી બંને પકડાયા છે.
સંસદની અંદર અને બહાર બનેલી ઘટનાએ આ દેશની આબરુનો ધજાગરો કરી નાંખ્યો છે અને સાબિત કર્યું છે કે, આપણે અત્યંત બેદરકાર પ્રજા છીએ અને ભૂલોમાંથી કશું શીખતા નથી. આ પ્રકારની ભૂલોનાં કેવાં ખતરનાક પરિણામ આવી શકે તેનો આપણને અંદાજ નથી અને સૌથી મહત્ત્વની વાત એ કે, આ દેશની પ્રજામાં આત્મગૌરવ કે દેશાભિમાનની લાગણી નથી.
નાની નાની વાતોમાં જેમનો દેશપ્રેમ છલકાઈ ઊઠે છે ને વ્યક્તિપૂજામાં આંધળા બનીને જશ આપવાની હોડમાં કૂદી પડે છે એવા લોકો અત્યારે ચૂપ છે. આ ઘટનાના કારણે દેશની આબરુનો ધજાગરો થઈ ગયો છે ને સરકારે તેનો જવાબ આપવો જોઈએ એવું બોલતાં પણ તેમની ફાટી રહી છે. આ મુદ્દો સંસદમાં ઉઠાવાયો તો સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા તેની સામે પણ સૌ ચૂપ છે. ઉલટાનું ચોર કોટવાળને ડાંટે એમ આ મુદ્દે રાજકારણ ના રમાવું જોઈએ એવી સૂફિયાણી સલાહો અપાઈ રહી છે.
ભલા માણસ, આ રાજકારણ નથી પણ દેશની આબરુનો મામલો છે. દેશની સંસદમાં ઘૂસીને તોફાન કરાય તેની વાત સંસદમાં ના કરાય તો ક્યાં યુનાઈટેડ નેશન્સમાં જઈને કરવાની હોય? બેશરમી અને ભક્તિની ચરમસીમા કહેવાય.
સંસદમાં ૧૩ ડિસેમ્બરે જે કંઈ થયું એ વધારે ખતરનાક એટલા માટે કહેવાય કે એક યોદનાબધ્ધ કાવતરું ઘડીને બધું કરાયું ને કોઈને ગંધ સુદ્ધાં ના આવી. દોઢ વર્ષથી સંસદમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવાઈ રહી હતી અને સંસદ ભવનની રેકી કરાઈ હતી. મનોરંજન અને સાગરે જોયેલું કે, બૂટની તપાસ કરવામાં આવી નથી તેથી બૂટમાં સ્મોક કેન છૂપાવીને લઈ ગયેલા.
આ વાત આઘાતજનક છે પણ તેના કરતાં વધારે આઘાતજનક એ કહેવાય કે, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહે ૧૩ ડીસેમ્બરે સંસદમાં હુમલાની ધમકી આપેલી. તેના કારણે સંસદની સુરક્ષા વધારી દેવાયેલી ને છતાં આ કાંડ થઈ ગયો.
આ દેશના સાંસદોએ સાગર શર્મા અને મનોરંજન ડી.નો આભાર માનવો જોઈએ કે એ લોકો વિસ્ફોટકો લઈને અંદર નહોતા ઘૂસ્યા, બાકી સંસદની અંદર વિસ્ફોટ કરી નાંખ્યો હોત તો શું થયું હોત તેવી કલ્પના જ થથરાવી નાંખે એવી છે. નઘરોળ તંત્રના કારણે સાગર અને મનોરંજન માટે વિસ્ફોટ લઈને જવું શક્ય હતું જ. એ લોકો સ્પ્રેનાં કનિસ્ટર લઈને અંદર જતા રહ્યા ને કોઈએ તપાસ જ ના કરી એ જોતાં વિસ્ફોટકો લઈને પણ સરળતાથી અંદર જઈ જ શક્યા હોત. અંદર ઘૂસ્યા પછી તો કામ સરળ હતું કેમ કે કનિસ્ટર કાઢીને સ્પ્રે કર્યો એ રીતે વિસ્ફોટકોનો ઉપયોગ કરવાનો હતો.
આ દેશનાં લોકોએ પણ ભગવાનનો પાડ માનવો જોઈએ કે, ભગતસિંહ ફેન્સ ક્લબ નામની ટોળકીને જે સૂઝ્યું એ કોઈ આતંકવાદી સંગઠનને ના સૂઝ્યું. બાકી એ લોકો તો સાવ બેદરકાર લોકોના ભરોસે જ હતા. સંસદ પર હુમલાની વરસીએ બીજો કાંડ સર્જાઈ ગયો હોત ને આખી દુનિયામાં દેશની આબરુનો ફજેતો થઈ ગયો હોત. અત્યારે પણ ફજેતો તો થયો જ છે પણ કોઈ મોટું નુકસાન થયું નથી તેથી ધીરે ધીરે તેને લોકો ભૂલી જશે. સંસદમાં ઘૂસીને આતંકી હુમલો કરાયો હોત તો તેને લોકો ભૂલી શકવાના નહોતા. ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ થયેલા હુમલાને ૨૨ વર્ષે પણ આપણે ભૂલ્યા નથી એ જોતાં આતંકી હુમલો થયો હોત તો એ પણ યાદ જ રહ્યો હોત ને દેશના માથે એક કાળી ટીલી લાગી ગઈ હોત.