વેપાર

ડૉલર સામે રૂપિયો ૨૯ પૈસા ઊછળ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જળવાઈ રહેલા તેજીના અન્ડરટોન અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં અવિરત આંતરપ્રવાહ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નીચા મથાળેથી ટકેલું વલણ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૯ પૈસા ઉછળીને ૮૩.૦૧ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૦ના બંધ સામે નીચામાં ૮.૩૨ અને ઉપરમાં ૮૨.૯૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૨૯ પૈસા વધીને ૮૩.૦૧ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ આજે એકંદરે સત્ર દરમિયાન ૩૬ પૈસાનો સુધારો નોંધાયો હતો.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી સાંકડી વધઘટે અથડાઈને ૧૦૧.૦૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ આવતા વર્ષથી વ્યાજદરમાં કાપ મૂકવાની હોવાથી આજે અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટીને ચાર ટકાની અંદર ઉતરી જતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૯૬૯.૫૫ પૉઈન્ટ અને ૨૭૩.૯૫ પૉઈન્ટની તેજી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૫૭૦.૦૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો આગળ ધપ્યો હતો. તેમ છતાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪૪ ટકા વધીને બેરલદીઠ ૭૬.૯૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેની સાધારણ નકારાત્મક અસર પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button