આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે માટુંગાની રેલવેની જગ્યાની માગણી કરી

પ્રોજેક્ટ કરવા માટે પહેલાં ધારાવીમાં જ ખુલ્લા પ્લોટ પર ઈમારત બાંધીને સીધી ઘરની ચાવી પાત્ર રહેવાસીઓને આપવી એવો હેતુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસેથી માટુંગામાં આવેલી રેલવેની જગ્યા માગી છે અને ધારાવી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટ વખતે ખુલ્લી જગ્યામાં મકાન બાંધીને ડાયરેક્ટ ઘરની ચાવીઓ પાત્ર રહેવાસીઓને સોંપવાનો હેતુ રાખ્યો છે. અગાઉની કૉંગ્રેસની સરકારે આવો વિચાર કર્યો હોત તો 2004થી રખડી પડેલો આ પ્રોજેક્ટ પહેલાં જ પૂર્ણ થઈ ગયો હોત.

કૉંંગ્રેસની સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવા માટે સેક્ટર એકથી પાંચનું માર્કિંગ કરી નાખ્યું હતું. 2011માં તેમણે સેક્ટર નંબર પાંચનું રિડેવલપમેન્ટ મ્હાડાને સોંપી દીધું હતું, પરંતુ ત્યાં ફક્ત 18 માળની બે ઈમારોત જ બાંધવામાં આવી હતી અને પાંચ વર્ષે એટલે કે 2016માં કુલ 358 રૂમ્સ બાંધીને તૈયાર થયા હતા. આમાંથી શતાબ્દીનગરના પાત્ર રહેવાસીઓને 278 રૂમ્સ હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા.

વિકાસ ઓછા સમયમાં કરવા માટે તેમાં ગતિ હોવાની આવશ્યક છે. દેવેન્દ્ર ફડણવીસની કામ કરવાની પદ્ધતિમાં તે જોવા મળે છે, એમ ભાજપના મહારાષ્ટ્ર કારોબારીના સભ્ય દિવ્યા ઢોલેએ જણાવ્યું હતું.

અત્યારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વહેતી થયેલી શંકાઓનું નિરસન કરતાં તેમણે કહ્યું હતું કે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની સ્પેશ્યલ પર્પઝ કંપનીમાં સરકાર અને અદાણીની હિસ્સેદારી છે અને આ કંપનીના ચેરમેન મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિ હોવાથી સરકારનું નિયંત્રણ પ્રોજેક્ટ પર રહેવાનું છે એટલે ધારાવીના લોકોએ ગેરમાર્ગે દોરાવાની આવશ્યકતા નથી તેમણે મોદી સરકાર અને રાજ્યની મહાયુતિ સરકાર પર ભરોસો રાખવાની આવશ્યકતા છે.

દેવેન્દ્ર ફડણવીસની સરકારે 2016માં ધારાવીના રિડેવલપમેન્ટ માટે ગ્લોબલ ટેન્ડરનો વિચાર માંડ્યો હતો. ત્યારે તેને અપેક્ષિત પ્રતિસાદ સાંપડ્યો નહોતો. આ અનુભવને પગલે ટેન્ડરમાં અનેક ફેરફાર કરીને ફરીથી 28-11-2018માં નવેસરથી ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. તેને પ્રતિસાદ મળ્યો અને 16-01-2019ના રોજ સેકલિંક કંપનીને ટેન્ડર મળ્યું હતું. ત્રીજી માર્ચ, 2019ના રોજ રેલવે અને મહારાષ્ટ્ર સરકારમાં માટુંગામાં રેલવેની જગ્યા ધારાવી રિડેવલપમેન્ટ માટે આપવાનો (એમઓયુ) કરાર થયો હતો.

ચોથી નવેમ્બર, 2019ના રોજ મહારાષ્ટ્રના એટર્ની જનરલનો મત માગવામાં આવ્યો, કેમ કે સેકલિંક કંપનીને જે ટેન્ડર આપવામાં આવ્યું હતું તેમાં માટુંગાની રેલવેની જમીનનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તેમણે કહ્યું હતું કે સેકલિંકને મહારાષ્ટ્ર સરકાર વર્ક ઓર્ડર આપી શકે નહીં.

28 નવેમ્બર, 2019ના રોજ મહાવિકાસ આઘાડી સરકાર અસ્તિત્વમાં આવી અને મુખ્ય પ્રધાનપદ ઉદ્ધવ ઠાકરે પાસે આવ્યું હતું. 27 ઑગસ્ટ, 2020 એટલે કે નવ મહિના પછી સરકારે મુખ્ય સચિવની સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો આ સમિતિએ એટર્ની જનરલ દ્વારા આપવામાં આવેલા અભિપ્રાય પર મત મગાવવામાં આવ્યો. સમિતિએ કેબિનેટને પોતાનો નિર્ણય જણાવ્યો.

29મી ઑક્ટોબર, 2020ના રોજ મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે અને તેમના પ્રધાનોએ સેકલિંક કંપનીને આપવામાં આવેલા ટેન્ડરને રદ કરવાનો નિર્ણય લીધો અને નવેસરથી ટેન્ડર મગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

29મી જુન, 2022ના રોજ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેના 18 મહિનાના કાર્યકાળમાં મહાવિકાસ આઘાડી સરકારે ટેન્ડરમાં શું શરતો હોવી જોઈએ તેના પર કામ કર્યું હતું. કેન્દ્ર સરકાર પાસેથી રેલવેની જમીન હસ્તાંતરિત કરીને લાવવાનું પણ તેમનાથી શક્ય થયું નહોતું.
30 જૂન, 2022ના રોજ મહાયુતી સરકાર અસ્તિત્વમાં આવતાં જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન પદ દેવેન્દ્ર ફડણવીસ પાસે આવ્યું હતું. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ મહાયુતીની સરકારના આગમન સાથે ફરી ગતિમાન થયું હતું.

28 સપ્ટેમ્બર, 2022ના રોજ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજ્ેક્ટ માટે સ્પેશ્યલ પર્પઝ કંપની મોડેલ હેઠળ રેલવેની જમીનના હસ્તાંતરણના ઉલ્લેખ સાથે નવી શરતો અને નિયમો સાથે પ્રોજેક્ટને વધુ સવલત આપીને ગ્લોબલ ટેન્ડરનો આદેશ બહાર પાડવામાં આવ્યો.

પહેલી ઓક્ટોબર, 2022ના રોજ નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. ટેન્ડર રજૂ કરવાની અંતિમ તારીખ 31મી ઑક્ટોબર, 2022 હતી તેને પંદરમી નવેમ્બર સુધીનો મુદતવધારો આપવામાં આવ્યો. પંદરમી નવેમ્બરે કુલ ત્રણ કંપનીએ પોતાના પ્રસ્તાવ રજૂ કર્યા હતા. જેમાં મે. અદાણી પ્રોપર્ટીઝ પ્રા. લિ., ડીએલએફ લિ. અને શ્રી નમન ડેવલપરસંગ પ્રા. લિ.નો સમાવેશ થતો હતો.

પંદરમી ડિસેમ્બર, 2022ના રોજ મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠલની સચિવ સમિતિએ થયેલા નિર્ણયને પગલે કેબિનેટની બેઠકમાં બાવીસમી ડિસેમ્બરે અદાણી પ્રોપર્ટીઝને ટેન્ડર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

13 જુલાઈ, 2023ના રોજ સરકારી આદેશ બહાર પાડીને ધારાવીના નિર્ધારિત ક્ષેત્ર હેઠળના રિડેવલપમેન્ટના પ્રોજેક્ટનો અમલ કરવા માટે મુખ્ય ભાગીદારની નિયુક્તી કરવામાં આવી હતી.

અત્યારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સ્પેશ્યલ પર્પઝ કંપની સ્થાપિત કરવામાં આવી છે. આ કંપનીમાં અદાણી 400 કરોડનું રોકાણ કરશે અને રાજ્ય સરકાર રૂ. 100 કરોડનું રોકાણ કરશે. આ સ્પેશ્યલ પર્પઝ કંપનીમાં અદાણી અને રાજ્ય સ રકારની 80:20 ટકા ભાગીદારી છે. સરકારનો અદાણીના કામ પર પ્રભાવ રહેશે. આ કંપનીમાં ચેરમેન સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવશે અને મેનેજિંગ ડિરેક્ટર અદાણી પ્રોપર્ટીઝ તરફથી નિયુક્ત કરવામાં આવશે.
આ બધી જ બાબતો પાારદર્શક રીતે મહાયુતી સરકાર કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button