આમ આદમી પાર્ટીમાં ઉથલપાથલ યથાવત, 43 કાર્યકર્તાઓએ છેડો ફાડ્યો
ભરૂચ: ગુજરાતમાં જાણે આમ આદમી પાર્ટીના વળતા પાણી થઇ રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું. એ પછી હાલોલ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવાએ આપમાંથી રાજીનામું આપી દીધુ છે, અને હવે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના 40થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ એક સાથે રાજીનામા ધરી દીધા છે.
AAP પાર્ટીમાં મોટો ભડકો થયો છે. ભરૂચ જિલ્લાના 40થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા આપી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. 3 દિવસ અગાઉ પણ 25 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ AAP પાર્ટીને અલવિદા કર્યું હતું.
એક તરફ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનવિભાગના અધિકારી સાથે હિંસાના આરોપસર જેલમાં જવું પડ્યું છે અને મોટાભાગના AAP નેતાઓ તેમને બચાવવામાં વ્યસ્ત થઇ ગયા છે, તેવામાં બીજી તરફ AAPના સંગઠનમાં સતત ભંગાણ પડી રહ્યું છે.
આટલું ઓછું હોય તેમ રાષ્ટ્રીય સ્તરે પણ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. હાલમાં જ યોજાયેલી MP-CG અને રાજસ્થાન, તેલંગાણા તથા મિઝોરમ આ પાંચમાંથી એક પણ રાજ્યની એક પણ બેઠકોમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીત્યો નથી. આમ આદમી પાર્ટીને NOTA કરતાં પણ ઓછા મત મળ્યા છે.
ભરૂચમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, રાજીનામું આપનારા કાર્યકરો વિધાનસભાની ચૂંટણી પછી પક્ષમાં નિષ્ક્રિય હતા. પરિણામે તેમને નવા સંગઠનાત્મક માળખામાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. આ બાબતે રાજ્ય કક્ષાએ જાણ કરવામાં આવી છે અને તેના જવાબમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.