વેપાર

રૂપિયો મજબૂત થતાં સોનામાં રૂ. ૩૧નો ઘટાડો, ચાંદીમાં રૂ. ૧૪૨ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારાના અંતના સંકેતો આપતા આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આગળ ધપવાની સાથે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ વ્યાજદર યથાવત્ રાખતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. જોકે, વિશ્વ
બજારમાં ડૉલર નબળો પડવાથી આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૧ પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હતો. આમ રૂપિયો મજબૂત થવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે વિશ્વ બજારથી વિપરીત સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૨ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૨ વધીને રૂ. ૭૪,૧૩૫ના મથાળે રહ્યા હતા. જોકે,રૂપિયો મજબૂત થવાથી સોનાની આયાત પડતર ઘટવાને કારણે મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૧૧૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૩૬૫ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ આજે ઘટીને જુલાઈ પછીની નીચી સપાટીએ અને ડૉલર ઈન્ડેક્સ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે અનુક્રમે ૦.૪ ટકા વધીને ૨૦૩૪.૩૧ ડૉલર અને ૨.૪ ટકા વધીને ૨૦૪૪.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


ફેડરલના ગળવી નાણાનીતિના સંકેતે સોનામાં તેમ જ વૈશ્વિક
ઈક્વિટી માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયો છે અને હવે રોકાણકારો વ્યાજદરમાં કપાતની રાહ જોઈ રહ્યા હોવાનું જણાવતા ટીડી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ ઘેલીએ જણાવતાં ઉમેર્યું હતું કે સોનામાં રોકાણકારોની લેવાલીને ટેકે તેજીનું વલણ જળવાઈ રહેવાની શક્યતા નકારી ન શકાય. કેમ કે નીચા વ્યાજદરનાં સંજોગોમાં સામાન્યપણે વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button