સ્ટેશન પર રીલ્સ બનાવવાનું યુવતીને પડ્યું ભારે, જાણો કેમ?

મુંબઈ: સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનું ચલણ વધી રહ્યું છે, જેમાં મુંબઈના રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનનું ચલણ વધ્યું છે. હવે રેલવે સ્ટેશન યા ટ્રેનમાં અશ્લીલ હરકતો સાથે રીલ્સ બનાવનારા સામે રેલવે પ્રશાસન સતર્ક બન્યું છે, જેમાં તાજેતરમાં એક યુવતીએ સીએસએમટી સ્ટેશન ખાતે વીડિયો બનાવ્યા પછી પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.
સીમા કનોજિયા નામની એક યુવતીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર અભદ્ર ડાન્સ કરવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી લોકોએ તેની ટીકા પણ કરી હતી. આ વીડિયો પોલીસના ધ્યાનમાં આવ્યા પછી યુવતી સામે રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરી હતી.
આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં યુવતીએ સ્ટેશનમાં રીલ્સ બનાવવા બદલ બદલ માફી માંગી છે. માફી માગતા વીડિયોમાં સીમાએ કહ્યું હતું કે જાહેર જગ્યાએ ડાન્સ કરી મેં નિયમોનું ઉલંઘન કર્યું છે. તેની સામે કાર્યવાહી કરીને પોલીસે અન્ય લોકોને પણ ચેતવણી આપી છે કે જાહેર જગ્યાએ અશ્ર્લીલ હરકતો કરશો તો દંડાવવું પડશે.
માફી માગતા સીમાએ કહ્યું હતું કે મેં જે અંધેરી અને સીએસએમટી સ્ટેશનો પર ડાન્સ કરવાનો વીડિયો બનાવ્યો હતો તે એક પ્રકારે રેલવેના નિયમોનું ઉલંઘન છે, તેથી હું દરેક વીડિયો ક્રિએટર્સને પણ આ પ્રકારના વીડિયો બનાવવા અંગે મનાઈ કરું છું. ઉપરાંત, તેણે કહ્યું હતું કે મારા વીડિયોને કારણે જે કોઈ પ્રવાસીઓને તકલીફ થઈ હોય તે બદલ હું માફી માંગુ છું.
સીમાએ માફી માગ્યા પછી તેના વીડિયો ઉપર લોકો જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, જેમાંથી એકે કહ્યું હતું કે તેના ચહેરા પર કોઈ માફી માગતી હોય એવું કંઈ જણાતું નથી. આ વીડિયોને કારણે તે લાઈમલાઈટમાં આવી ગઈ હોવાનું અન્ય યૂઝરે જણાવ્યું હતું.
થોડા સમય પેહલા પણ સીમાનો ટ્રેનમાંથી જમ્પ મારીને ડાન્સ કરવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ રીતે ટ્રેનો અને પ્લેટફોર્મ પર જોખમી સ્ટંટ્સ કરવા બદલ મધ્ય રેલવેએ ટ્વીટ કરી આ મામલે આરપીએફ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવ્યુ હતું અને નાગરિકોએ આ પ્રકારના વીડિયો નહીં બનાવવા અંગે ચેતવણી આપી હતી. પોલીસે ચેતવણી આપતા કહ્યું હતું કે નિયમો ન પાળનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા આવશે એવું પણ જણાવ્યુ હતું.